આ પક્ષીને અપસાઇડ-ડાઉનની ગજબની કરામત આવડે છે

04 August, 2021 10:17 AM IST  |  Netherland | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સના આર્નહેમ શહેર પાસે સાવ અલગ રીતે ઊડતા રાખોડી અને કથ્થઈ રંગના આ બીન ગુઝ પક્ષીની તસવીરો વિન્સેન્ટ કૉર્નેલીસન નામના એક ફોટોગ્રાફરે ઝડપી હતી

બીન ગુઝ

સામાન્ય રીતે કોઈ પણ પક્ષી જમીન પરથી આકાશની દિશામાં ઊડતું હોવાની તસવીરો જોવા મળે છે. ક્યારેક ગીધ, ગરુડ, બાજ કે સમડી શિકાર ઝડપવા માટે ઝડપથી ઊંચાઈ પરથી નીચે આવીને ઝડપથી પાછાં ઊંચાઈ પર પહોંચતાં હોવાનું ધ્યાનમાં આવ્યું હશે, પરંતુ હંસની જાતિના ‘બીન ગુઝ’ પક્ષીઓને પાંખો ફફબડાવીને નીચે આવતાં હોવાની તસવીરો જાણીતી નથી. એ તાજેતરમાં આકાશમાં અપસાઇડ-ડાઉનની (ઉપરની બાજુને નીચે કરવાની અને નીચેની બાજુને ઉપર કરવાની) પોતાની અનોખી સ્ટાઇલમાં ઊડતું જોવા મળ્યું હતું.

નેધરલૅન્ડ્સના આર્નહેમ શહેર પાસે સાવ અલગ રીતે ઊડતા રાખોડી અને કથ્થઈ રંગના આ બીન ગુઝ પક્ષીની તસવીરો વિન્સેન્ટ કૉર્નેલીસન નામના એક ફોટોગ્રાફરે ઝડપી હતી. એ તસવીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરાતાં ઘણા લોકોએ એ પક્ષી ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપરની દિશામાં ઊડતું હોવાનું માનવાનો ઇનકાર કર્યો હતો. કેટલાક લોકોએ કહ્યું કે આમાં કદાચ ફોટોશૉપ ટેક્નિકનો ઉપયોગ થયો હશે. જોકે આ પક્ષીએ જાણે કોઈ પાઇલટ પોતાના ટચૂકડા ચાર્ટર પ્લેનને અપસાઇડ-ડાઉનની સ્ટાઇલમાં ઉડાડે એવું ખરેખર કર્યું હતું.

બર્ડ્સ પ્રોટેક્શન-નેધરલૅન્ડ્સ માટે કામ કરતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર લાર્સ સોએરિન્કે કહ્યું કે ‘પક્ષીઓ પણ પ્રયોગ કરતાં હોય છે. નવી ટ્રિક્સ શીખતાં હોય છે. તેઓ જુદી-જુદી રીતે ઊડવાની પોતાની ક્ષમતાનો ક્યાસ કાઢતાં હોય છે. હંસની પ્રજાતિનું ‘બીન ગુઝ’ પણ કદાચ એવા પ્રયોગ કરતું હશે.’

ફોટોગ્રાફર વિન્સેન્ટ કૉર્નેલીસને એવું પણ જણાવ્યું કે ‘મને એવું લાગ્યું કે કદાચ એ પક્ષી ઈજાગ્રસ્ત થયું હશે.’

offbeat news international news netherlands