31 May, 2026 02:40 PM IST | Telangana | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તેલંગણના મહેબૂબાબાદમાં જૂની મનરેગા સ્કીમ અંતર્ગત કામ કરનારા એક ભાઈને એક અજીબોગરીબ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અહીંની સરકારે મજૂરોની હાજરી માટે ચહેરાના આધારે ઓળખ કરતી ઍપ વાપરવાનું શરૂ કર્યું છે જેથી સરકારી સ્કીમો અંતર્ગત થતા ગોટાળાને રોકી શકાય. જોકે આ સિસ્ટમને કારણે કોમાટીપલ્લી ગામના શ્રીનિવાસ નામના ભાઈ મુસીબતમાં મુકાઈ ગયા. તેઓ થોડા સમય પહેલાં અંજનેય સ્વામીનાં દર્શન કરવા ગયા હતા અને ત્યાં તેમણે ભાવુક થઈને પોતાના વાળ દાનમાં આપી દીધા. માથું મુંડાવીને તેઓ ૨૮ મેએ ફરીથી મજૂરી કરવા કામે લાગ્યા. સુપરવાઇઝરે ફેસ રેકગ્નિશન ઍપથી તેમની હાજરી માટે ચહેરો સ્કૅન કરવાની કોશિશ કરી, પણ માથે ટાલ હોવાથી ઍપમાં તેમનો ચહેરો રિજેક્ટ થઈ રહ્યો હતો. ડેટામાં તેમનો વાળવાળો ચહેરો હતો અને ટકલુ હોવાથી પ્રૉબ્લેમ શરૂ થયો હતો. એ જોઈને બીજી એક મહિલાએ પોતાના માથાના લાંબા વાળ પેલા મજૂરના માથા પર ઢાંકી દીધા. અચરજની વાત એ છે કે એ કીમિયો કામ કરી ગયો. માથે વાળ દેખાતાં જ ભાઈનો ચહેરો સ્કૅન થઈને વેરિફાય થઈ ગયો.