બાળકનો હૅલોવીનનો ડરામણો વિડિયો વાઇરલ

25 October, 2021 12:29 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના જાણીતા ઑનલાઇન ચર્ચાનું પ્લૅટફૉર્મ રેડિટ દ્વારા ‘હૅલોવીનના ૧૩ દિવસ’ હેઠળ એક સિરીઝ ચાલી રહી છે

વાઇરલ વીડિયોનો સ્ક્રિનશૉટ

પશ્ચિમી દેશોમાં લોકપ્રિય હૅલોવીનનો તહેવાર થોડો છેટો છે. ભૂતાળા પહેરવેશે અને ડરામણાં મહોરાં પહેરીને ઊજવાતા હૅલોવીન-ડે માટે હમણાંથી તૈયારી ચાલી રહી છે. લોકો જાતભાતના વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

અમેરિકાના જાણીતા ઑનલાઇન ચર્ચાનું પ્લૅટફૉર્મ રેડિટ દ્વારા ‘હૅલોવીનના ૧૩ દિવસ’ હેઠળ એક સિરીઝ ચાલી રહી છે, એમાં એક બાળકનો હૅલોવીન પહેરવેશમાં ડરામણો વિડિયો શૅર કરવામાં આવ્યો છે, જે જોઈને નેટિઝન્સ ઘેલા બન્યા છે. વિડિયો એટલો ડરામણો બન્યો છે કે ઘણા યુઝર્સે કમેન્ટ્સમાં પોતે આ જોઈને ભાગી ગયા હોત એવી કમેન્ટ્સ પણ લખી છે. મોટા પ્રમાણમાં નેટિઝન્સ આ વિડિયોના અને એની અંદરના બાળકના પહેરવેશનાં વખાણ કરી રહ્યા છે તેમ જ તેના બિહામણા વેશને વધાવી રહ્યા છે.

અલબત્ત, આ વિડિયોમાં આમ તો બે નાનાં બાળકો છે. બેમાંથી મોટી લાગતી બાળકી રાક્ષસી વેશ સાથે હાથમાં તલવાર લઈને ફરે છે, તો તેની સાથે રહેલા નાના બાળકનો વેશ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તેના બન્ને હાથમાં પોતાનું જ માથું કાપીને પકડાવેલું હોય એવું લાગે.

offbeat news international news