મેડિકલ કન્ડિશનનો સામનો કરતી વ્યક્તિએ બનાવ્યો પુશ-અપ્સનો રેકૉર્ડ

19 June, 2022 09:42 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

આ ઍથ્લીટે એપ્રિલ ૨૦૨૨માં એક કલાકમાં સૌથી વધુ પુશ-અપ્સ (પુરુષ દ્વારા) માટેનો રેકૉર્ડ તોડ્યો હતો

ડૅનિયલ સ્કાલી

વર્લ્ડ રેકૉર્ડ બનાવવા કે જૂના રેકૉર્ડ તોડવા સહેલા હોતા નથી. એના માટે ખૂબ જ તૈયારીઓ અને ફિઝિકલ અને મેન્ટલ તાકાતની જરૂર રહે છે. ઑસ્ટ્રેલિયાના ડૅનિયલ સ્કાલીએ આવી જ તાકાત બતાવી છે.

આ ઍથ્લીટે એપ્રિલ ૨૦૨૨માં એક કલાકમાં સૌથી વધુ પુશ-અપ્સ (પુરુષ દ્વારા) માટેનો રેકૉર્ડ તોડ્યો હતો. તેણે એક કલાકમાં ૩૧૮૨ પુશ-અપ્સ કર્યા હતા. તેણે ૨૦૨૧માં ઑસ્ટ્રેલિયન જેરાડ યંગના એક કલાકમાં ૩૦૫૪ પુશ-અપ્સના રેકૉર્ડને તોડ્યો હતો. આ અચીવમેન્ટને એ બાબત ઇમ્પ્રેસિવ બનાવે છે કે ડૅનિયલ એક મેડિકલ કન્ડિશનનો સામનો કરી રહ્યો છે.

તે ૧૨ વર્ષનો હતો ત્યારે તેનો હાથ તૂટી ગયો હતો. એ પછીથી તે સીઆરપીએસ (કૉમ્પ્લેક્સ રીજનલ પેઇન સિન્ડ્રૉમ) કન્ડિશનનો સામનો કરી રહ્યો છે. તેણે સીઆરપીએસના મામલે અવેરનેસ લાવવા માટે જ આ રેકૉર્ડ તોડ્યો હતો.

કૉમ્પ્લેક્સ રીજનલ પેઇન સિન્ડ્રૉમ ક્રોનિક પેઇનનો એક પ્રકાર છે જે સામાન્ય રીતે હાથ કે પગને અસર કરે છે. સામાન્ય રીતે ઈજા, સર્જરી, સ્ટ્રોક કે હાર્ટ-અટૅક બાદ આવી કન્ડિશન થઈ શકે છે.

ડૅનિયલે કહ્યું હતું કે ‘મારા હાથને અસર થઈ છે એટલે કોઈ સૉફ્ટ વસ્તુ, પવન કે પાણી એને અડે તો મને ખૂબ જ દુખાવો થાય છે. આ કન્ડિશનની મારા રોજિંદા જીવન પર ખૂબ જ અસર થાય છે.’

offbeat news international news