વ્હેલ માછલી ગળી ગઈ છતાં બચી ગયો

09 August, 2022 11:38 AM IST  |  Massachusetts | Gujarati Mid-day Correspondent

અમેરિકાના કૅપ કોડના દરિયામાં માઇકલ પૅકર્ડ નામનો વ્યક્તિ ૪૫ ફુટ નીચે જઈને કરચલાનો શિકાર કરી રહ્યો હતો ત્યારે તેને કોઈક વિશાળ વસ્તુએ ધક્કો માર્યો હોય એવું લાગ્યું

માઇકલ પૅકર્ડ અને હમ્પબૅક વ્હેલ માછલી

અમેરિકાના કૅપ કોડના દરિયામાં માઇકલ પૅકર્ડ નામનો વ્યક્તિ ૪૫ ફુટ નીચે જઈને કરચલાનો શિકાર કરી રહ્યો હતો ત્યારે તેને કોઈક વિશાળ વસ્તુએ ધક્કો માર્યો હોય એવું લાગ્યું. એ વસ્તુ હતી ૧૦૦ ટનની ટ્રક જેવી વિશાળ હમ્પબૅક વ્હેલ માછલી. તે કંઈક વિચારે એ પહેલાં જ તેને લાગ્યું કે પોતે એક કાળી અને માંસલ ગુફાની અંદર આવી ગયો છે. થોડી વારમાં જ તેને સમજાઈ ગયું કે તે એક વિશાળ દરિયાઈ પ્રાણીના મોઢાની અંદર છે. જોકે અંધકાર અચાનક પ્રકાશમાં પલટાયો અને વ્હેલ માછલીએ પોતાનું જડબું ખોલ્યું અને તેને પાણીમાં ફેંકી દીધો. નસીબજોગ તેને કોઈ જીવલેણ ઈજા નહોતી થઈ. કોઈ મોટો જીવ તમને આખેઆખો ગળી જાય છતાં તમે તમારો અનુભવ અન્ય સાથે વહેંચવા માટે જીવતા રહો એવું ખરેખર તેની સાથે બન્યું. જોકે તેનો અનુભવ બહુ ભયાવહ હતો. કારણ તેને કોઈ ૧૦૦ ટનની લૉરીએ ધક્કો માર્યો હોય એવું લાગ્યું હતું. કોઈ કાળા અને લાલ રંગની ગુફામાં હોય એવું સાયન્સ ફિક્શન ફિલ્મમાં બનતું દૃશ્ય ત્યારે તેની સાથે ભજવાયું હતું. વ્હેલ માછલીના મોઢામાં ગયા પછી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. તેને લાગ્યું કે હવે તે ચોક્કસ મરવાનો છે એથી તે પોતાના પરિવાર વિશે વિચારવા લાગ્યો હતો. એવામાં અચાનક ચમત્કાર થયો. વ્હેલ માછલીએ જડબું ખોલીને તેને પાણીમાં ધકેલી દીધો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વ્હેલ માછલી એક માણસને જીવતો ગળી શકે એમ નથી, કારણ કે તેના ગળાનો વ્યાસ ૧૫ ઇંચ છે. એક પુખ્ત વયનો માણસ એમાંથી જઈ શકે નહીં.

offbeat news international news united states of america