ટ્રક ચોરની કબર પર મુકાયું ચોરનું સ્ટૅચ્યુ અને આઉડી Q5ની રેપ્લિકા

28 October, 2019 09:22 AM IST  |  ગ્રૅનેડા, સ્પેન

ટ્રક ચોરની કબર પર મુકાયું ચોરનું સ્ટૅચ્યુ અને આઉડી Q5ની રેપ્લિકા

આ છે ચોરની કબર

સ્પેનના ગ્રૅનેડા પ્રાંતમાં ઍન્ટોનિયો અલ ટૉન્ટો નામે એક ચોરભાઈ જીવતા હતા ત્યારે તો ફેમસ હતા જ પણ મોત પછી તેમની કબર પણ એટલી જ ફેમસ છે. ઍન્ટોનિયોની જીવનશૈલી આપણા કાઠિયાવાડી બહારવટિયાઓ જેવી હતી. ભાઈસાહેબ મોંઘાદાટ સામાનની હેરફેર કરતી ટ્રકોને હાઇજેક કરી લેતા હતા. મોટા ભાગે તે ચોરી કરી લીધા પછી કોઈ મજબૂત સબૂતો છોડતો નહીં એટલે ૬૦થી વધુ વખત તેની અરેસ્ટ થઈ, પણ એકેય વાર તેની પર કાર્યવાહી આગળ ન થઈ. લૂંટેલો માલ તે પોતાના ઘરમાં તો ભરતો જ પણ ગામના લોકોમાં પણ વહેંચતો. ગયા વર્ષે ઍન્ટોનિયોનું મૃત્યુ થયું એ વખતે તે જસ્ટ ૪૬ વર્ષનો હતો.

આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું

લક્ઝુરિયસ એક્સેસરીઝ પહેરીને ફરવાના શોખીન ચોરભાઈના ઘરવાળાઓએ તેની કબરને પણ આલીશાન બનાવવાનું વિચાર્યું. આરસના પત્થરથી ચણેલા કબરના ઓટલા પર ઍન્ટોનિયો અલ ટૉન્ટોનું રિયલ સાઇઝનું શિલ્પ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તે જે બ્રૅન્ડના કપડાં, ઘડિયાળ અને અન્ય એક્સેસરીઝ પહેરતો એ પણ આ શિલ્પમાં વણી લેવામાં આવ્યું છે. તેની પાસે હંમેશાં ર્માબોરો લાઇટ સિગારેટ અને મોંઘુદાટ લાઇટર રહેતું એ પણ મૂકવામાં આવ્યું છે. આ બધું તાંબામાંથી બનેલું છે. ટ્રકચોર તરીકે વગોવાયેલો હોવા છતાં ઍન્ટોનિયોને તેના ગામના લોકો બહુ સન્માન આપે છે અને તેની કબર પર અવારનવાર ફૂલો મૂકીને જાય છે. તેના પરિવારે તાજેતરમાં આ કબર પર એક વધારાનું નજરાણું ઉમેર્યું છે. ચોરીના માલથી તે મોંઘીદાટ ગાડીઓ ખરીદવાનો શોખીન હતો અને મોટા ભાગે તેની આઉડી Q5 લઈને જ ટ્રકો હાઇજેક કરવા નીકળતો હતો. એને કારણે તાંબામાંથી રિયલ આઉડીની સાઇઝની કારનું શિલ્પ પણ તેની કબર પર મૂકવામાં આવ્યું છે.

offbeat news hatke news