પુત્ર બોલતો થાય એટલે આ ભાઈ તરત તેને ગાળ બોલવાની છૂટ આપશે

11 August, 2021 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા ભારતીય સમાજમાં કોઈ પણ માતા-પિતા કે વાલી એવું ન ઇચ્છે કે તેમનું બાળક જિંદગીમાં ક્યારેય ગાળ કે અપશબ્દો બોલે

કૉન્નર રૉબર્ટ્સન

આપણા ભારતીય સમાજમાં કોઈ પણ માતા-પિતા કે વાલી એવું ન ઇચ્છે કે તેમનું બાળક જિંદગીમાં ક્યારેય ગાળ કે અપશબ્દો બોલે. આપણા તો આડોશપાડોશમાં રહેતા લોકો પણ કોઈ બાળકમાં આવું ગેરવર્તન જોવાનું પસંદ ન જ કરે, પરંતુ એક અહેવાલ મુજબ ટિકટૉક પર કૉન્નર રૉબર્ટ્સન નામના યુવાને શેહશરમ રાખ્યા વિના કહી દીધું છે કે ‘મારો પુત્ર બોલતો થશે કે તરત હું તેને ગાળ બોલવાની છૂટ આપી દેવાનો છું.’

પેરન્ટિંગ સ્ટાઇલ પર ચર્ચા થઈ રહી હતી જેમાં ‘સમાજમાં અને લોકોમાં અણગમતાં કહેવાય એવાં તમારાં મંતવ્યો કયાં?’ એ વિષય પર પોતાનો અભિપ્રાય આપવાનો આવ્યો ત્યારે રૉબર્ટ્સને બિન્દાસ કહી દીધું કે ‘હું ખાસ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવાનો છું. મારા દીકરાને ગાળ કે અપશબ્દો બોલવાની પૂરી છૂટ આપીશ. કોઈને ભલે મારી આ છૂટ મંજૂર ન હોય, પણ હું તો આપવાનો જ છું. આમેય મોટો થઈને તે ગાળ બોલવાનો જ છે તો અત્યારથી જ કેમ તેને છૂટ ન આપું? અમારા દીકરાનો પ્રથમ શબ્દ કોઈ અપશબ્દ હશે કે ‘આઇ લવ યુ’ હશે એ બાબતમાં મારી અને મારી વાઇફ વચ્ચે શરત લાગી છે. મને ખાતરી છે કે હું જ જીતીશ.

બીજું, હું મારા પુત્રને પુરુષ-સ્ત્રીનાં ગુપ્તાંગોના ખરાં નામ બોલતાં શીખવાડવાનો છું. એને લગતા કોઈ કોર્ડવર્ડ નહીં શીખવું.’

નવાઈ એ વાતની પણ છે કે રૉબર્ટ્સનનાં આ કઢંગાં મંતવ્યોને ૩૪ લાખ લાઇક્સ મળી અને ૩૭,૦૦૦થી વધુ કમેન્ટ આવી હતી. જોકે, તેની સાથે ઘણા લોકો અસહમત પણ હતા. એક જણે લખ્યું કે ‘બીજું બધુ તો ઠીક, પણ નાનપણથી પુત્રને ગાળ બોલતાં શીખવવું એ તો અસભ્યતાનું ઉદાહરણ જ કહેવાય.’

offbeat news international news viral videos