કિંગ કોબ્રાનું ભોજન બન્યો બીજો સાપ

27 July, 2021 04:08 PM IST  |  Mumbai | Agency

ટ્વિટર પર આ ફોટો વન વિભાગના અધિકારી પ્રવીણ કાસવાને શૅર કર્યો છે. 

કિંગ કોબ્રાનું ભોજન બન્યો બીજો સાપ

મોટી માછલી નાની માછલીને ગળી જાય એવું આપણે ઘણી વાર સાંભળ્યું છે. હિન્દી ફિલ્મોમાં આના પરથી સંવાદો પણ બની ચૂક્યા છે. જોકે મોટો સાપ નાના સાપને ગળી જાય એવું ભાગ્યે જ સાંભળવા મળ્યું છે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક ફોટોએ હમણાં ચકચાર જગાવી છે જેમાં  કિંગ કોબ્રા એક અન્ય સાપને ખાતો દેખાય છે. ટ્વિટર પર આ ફોટો વન વિભાગના અધિકારી પ્રવીણ કાસવાને શૅર કર્યો છે. 
પ્રવીણ કાસવાને કૅપ્શનમાં લખ્યું છે કે કિંગ કૉબ્રાનું વૈજ્ઞાનિક નામ ઓફિફોગસ હન્નાહ છે, જે એક ગ્રીક શબ્દ છે. ઓફિફોગસ શબ્દનો અર્થ છે સાપ ખાવાવાળો અને હન્નાહ શબ્દ પૌરાણિક ગ્રીક કથાઓમાં વૃક્ષ પર રહેનારી અપ્સરાઓ માટે વપરાય છે. 
વધુ એક સત્ય પર પ્રકાશ પાડતાં આ અધિકારીએ કહ્યું હતું કે મોટા ભાગના કોબ્રા સાપ ખાઈને જીવતા હોય છે જેમાં રૅટ સ્નેક એમનું પ્રિય ભોજન છે. અન્ય સાપની જેમ કિંગ કોબ્રા ભાગ્યે જ ઉંદર અને ગરોળી જેવાં કરોડરજ્જુ ધરાવતાં પ્રાણીઓનો શિકાર કરે છે. એ પોતાની જ જાતિના સાપનો શિકાર કરવાનું વધુ પસંદ કરે છે. માઇક્રોબ્લૉગિંગ સાઇટ પર આ ફોટોને ૧૭૦૦ કરતાં વધુ લાઇક્સ મળ્યા છે.

offbeat news