લેસ્બિયન કપલ અંજલિ-સૂફીના બ્રેકઅપ બાદ ભારતીયોમાં જોવા મળ્યું અમેરિકાની વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રી વિશેનું કુતૂહલ

27 March, 2024 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં લગ્ન કરનાર કપલ ગિફ્ટ રજિસ્ટ્રી બનાવે છે અને લગ્ન વખતે તેમને શું ગિફ્ટ જોઈએ છે, તેમને હનીમૂન પર ક્યાં જવું છે એવી તેમની ઇચ્છાઓ વ્યક્ત કરે છે.

અંજલિ ચક્રા અને પાકિસ્તાની મૂળની સૂફી મલિક

અમેરિકામાં રહેતી ભારતીય મૂળની અંજલિ ચક્રા અને પાકિસ્તાની મૂળની સૂફી મલિકે ૨૦૧૯માં લગ્ન કરવાની જાહેરાત કરી હતી અને છેલ્લાં પાંચ વર્ષમાં આ ઇન્ડિયન-પાકિસ્તાની લેસ્બિયન કપલે ચર્ચા જગાવી હતી, પણ હાલમાં અંજલિએ તેમની આ રિલેશનશિપ તોડી નાખવાની જાહેરાત કરી છે અને એમાં સૂફી મલિકની બેવફાઈનું કારણ આપ્યું છે. જોકે આ કપલ લગ્ન કરી લે એ પહેલાં જ તેમની સગાઈ તૂટી ગઈ છે ત્યારે હવે તેમનાં લગ્ન પહેલાં કરાયેલી તેમની વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રીનું શું થશે એવા સવાલ ઊભા થયા છે. ભારતીયોને પણ હવે અમેરિકામાં થતી વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રી વિશે જાણવામાં રસ પડ્યો છે. આપણા દેશમાં તો લગ્નમાં ચાંદલો કરવાનો કે કપલ માટે ગિફ્ટ લઈ જવાનો ટ્રેન્ડ છે, પણ અમેરિકામાં ચિત્ર જરા જુદું છે. 

અમેરિકામાં લગ્ન કરનાર કપલ ગિફ્ટ રજિસ્ટ્રી બનાવે છે અને લગ્ન વખતે તેમને શું ગિફ્ટ જોઈએ છે, તેમને હનીમૂન પર ક્યાં જવું છે એવી તેમની ઇચ્છાઓ વ્યક્ત કરે છે. તેમને જે ચીજો જોઈતી હોય એનું આખું લિસ્ટ અને એ ગિફ્ટ ક્યાં મળશે એની વિગતો એમાં હોય છે જેથી લગ્નમાં આમંત્રિત મહેમાન એ ગિફ્ટ લાવી શકે. આમ ડુપ્લિકેટ ગિફ્ટ થાય નહીં અને ગિફ્ટ આપનારને શું લઈ જવું એની સમજ પડી જાય છે. અંજલિ અને સૂફીએ પણ આવી રજિસ્ટ્રી બનાવી હતી અને એમાં તેમના હનીમૂન, ડેટ નાઇટ, ઘર ખરીદવા માટેનું ડાઉન પેમેન્ટ અને ભવિષ્યમાં બાળકો કરવાં હોય તો ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF)ના ખર્ચ માટેની વિગતો મૂકી હતી. હવે જ્યારે કપલે તેમનું લગ્ન જ ફોક કરી દીધું છે ત્યારે આ રજિસ્ટ્રીમાં જમા થયેલાં નાણાંનું શું થશે એ જાણવામાં ઘણાને કુતૂહલ પેદા થયું છે. કપલે વેબસાઇટ પર મૂકેલી વેડિંગ ગિફ્ટ રજિસ્ટ્રી પબ્લિક-વ્યૂથી હટાવી દીધી એ પછી વિવાદ થયો છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ માત્ર રજિસ્ટ્રી હતી, એ તેમના ફૉલોઅર્સ નહીં પણ મિત્રો અને લગ્નમાં આમંત્રિત થનારા પરિવારજનો માટે હતી, વેસ્ટર્ન વર્લ્ડમાં આવું કૉમન છે. 

offbeat videos offbeat news united states of america pakistan