પેન્સિલચોરીની ફરિયાદ નોંધાવવા બાળકો પહોંચ્યાં પોલીસ-સ્ટેશન

30 November, 2021 11:16 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

આંધ્ર પ્રદેશ પોલીસે આ આખી ઘટનાનો વિડિયો ટ્વિટર પર મૂક્યો હતો

બાળકો

તમારી સ્કૂલ-લાઇફના દિવસોને યાદ કરો અને કહો કે જો કોઈએ તમારી પેન કે પેન્સિલ લીધી હોય અને એ પાછી ન આપે તો તમે શું કરો? ૧૦૦માંથી ૯૯ નહીં, હું તો કહીશ કે ૧૦૦ જણનો જવાબ એક જ હશે, ‘એમાં શું? આટલી નાની વાત પકડીને બેસી થોડા રહેવાય?’ 
પણ ના, આ વાત તમારી-મારી નથી, આજનાં ભૂલકાંઓની છે. આજનું જનરેશન તરત દાન અને મહાપુણ્યમાં માનનારું છે. આંધ્ર પ્રદેશમાં કુર્નૂલ જિલ્લાના પેડાકાદુબુરુ પોલીસ-સ્ટેશનમાં કેટલાંક ભૂલકાંઓ પેન્સિલચોરીની ઘટનામાં ફરિયાદ નોંધાવવા તેમ જ ન્યાય મેળવવા પહોંચી ગયાં હતાં. આંધ્ર પ્રદેશ પોલીસે આ આખી ઘટનાનો વિડિયો ટ્વિટર પર મૂક્યો હતો, જેમાં બે બાળકો પોલીસને આખી ઘટના સમજાવી રહ્યાં છે તથા પાછળ ઊભાં રહેલાં બીજાં બાળકો હસી રહ્યાં છે. જોકે આ ઘટનાને આંધ્ર પ્રદેશ પોલીસની વિશ્વસનીયતા ગણાવી શકાય કે નાનાં બાળકોને પણ પોલીસ પર વિશ્વાસ છે કે તેમને અહીં ન્યાય મળશે જ. વિડિયોના અંતે બાળકો સંતોષના સ્મિત સાથે પોલીસ-સ્ટેશનમાંથી નીકળતાં જોવા મળે છે. 

offbeat news national news andhra pradesh viral videos