ઇજિપ્તના એબિડોસમાં પ્રાચીન બિયર ફૅક્ટરી મળી

15 February, 2021 09:13 AM IST  |  Egypt | Gujarati Mid-day Correspondent

ઇજિપ્તના એબિડોસમાં પ્રાચીન બિયર ફૅક્ટરી મળી

અમેરિકા અને ઇજિપ્તના પુરાતત્ત્વશાસ્ત્રીઓએ પ્રાચીન બિયર ફૅક્ટરી શોધી કાઢી છે. ઇજિપ્તની રાજધાની કેરોથી ૪૫૦ કિલોમીટર દૂર નાઇલ નદીની પશ્ચિમે રણ પ્રદેશમાં એબિડોસ નામના કબ્રસ્તાનના ક્ષેત્રમાં મળેલી આ બિયર ફૅક્ટરી રાજા નારમેરના શાસનકાળમાં ઈસવી સન પૂર્વે ૩૧૫૦થી ઈસવી સન પૂર્વે ૨૬૧૩ના ગાળામાં કાર્યરત હોવાનું પુરાતત્ત્વનિષ્ણાતોનું માનવું છે. એ બિયર ફૅક્ટરીમાં ૬૫ ફુટ લાંબા અને ૮ ફુટ પહોળા આઠ યુનિટ્સ છે. દરેકમાં બે હરોળમાં ૪૦ પોટરી બેઝિન્સ છે. એનો ઉપયોગ બિયર બનાવવા માટે અનાજ અને પાણી ઉકાળવા માટે કરવામાં આવતો હોવાનું પુરાતત્ત્વનિષ્ણાતોએ જણાવ્યું હતું. ઇજિપ્તની સુપ્રીમ કાઉન્સિલ ઑફ ઍન્ટિક્વિટીઝના સેક્રેટરી જનરલ મોસ્તફા વઝીરીએ જણાવ્યું હતું કે ન્યુ યૉર્ક યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇન આર્ટ્સ અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં એન્શિયન્ટ ઇજિપ્શિયન આર્ટ હિસ્ટરી ઍન્ડ આર્કિયોલૉજી વિષયના અસિસ્ટન્ટ પ્રોફેસર ડેબોરાહ વિસ્ચાકના નેતૃત્વમાં આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

offbeat news international news egypt