13 August, 2025 09:38 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક વૃદ્ધ સાસુને તેની વહુ બેરહેમીથી ધીબેડી રહી છે. અધખુલ્લા દરવાજા પાસે બેસી પડેલી સાસુને તેની જ વહુ લાફા અને ઢૂંસા મારીને તથા વાળ ખેંચીને ઢસડી રહી છે. તેનો દીકરો આસપાસમાં જ નાની બાળકીને લઈને ટહેલી રહ્યો છે, પણ પોતાની પત્નીને રોકતો નથી. તેની જ ત્રણ વર્ષની દીકરી મમ્મીને વિનવણી કરે છે કે દાદીને છોડી દે, પણ માને નાના બાળકની વિનંતી પણ સંભળાતી નથી. જોકે વહુની નજર પડે છે કે પોતાનું આ કારસ્તાન બહારની કોઈ વ્યક્તિ વિડિયોમાં રેકૉર્ડ કરી રહી છે એટલે તે સાસુને ત્યાં જ પડતી મૂકીને ઘરની અંદર જતી રહે છે. આ વિડિયો વાઇરલ થતાં પોલીસે મારનાર વહુને શોધી કાઢી હતી. જોકે નવાઈની વાત એ હતી કે આ મહિલા તો પોલીસમાં તેની સાસુ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ કરીને ગંભીર કાનૂની આરોપો નોંધાવી ચૂકી હતી. જોકે વિડિયોમાં જે અસલિયત દેખાતી હતી એના આધારે પોલીસે વૃદ્ધા પર થતી ક્રૂરતાનો મામલો નોંધ્યો હતો.