દીકરીને બર્થ-ડે ગિફ્ટ આપવાને બદલે ખરીદી આપી લૉટરી: મળ્યું ત્રણ કરોડનું બમ્પર ઇનામ

25 November, 2025 12:43 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

મહેશ્વરી સિંગલ મધર છે. તેણે પતિ સાથે છૂટાછેડા લઈ લીધા છે. તેનો એક દીકરો હતો, પણ તેનું અવસાન થઈ ગયું હતું

મહેશ્વરી સાહ

પંજાબના લુધિયાણામાં એક મહિલાએ ૧૦ નવેમ્બરે પોતાની લાડકવાયી દીકરીના બર્થ-ડેના દિવસે લૉટરીની ટિકિટ ખરીદી હતી. નોંધવા જેવી વાત એ છે કે આ ટિકિટ ખરીદવા મહિલાએ પોતાની જ્વેલરી ગિરવી મૂકી હતી અને સરપ્રાઇઝ... ૧૨ દિવસ પછી આ મા-દીકરીની ખુશીઓની કોઈ સીમા નહોતી રહી. મહિલા તો ચોધાર આંસુએ રડી પડી હતી, કારણ કે તેમને ખરેખર લૉટરી લાગી ગઈ હતી અને એ પણ પૂરા ત્રણ કરોડ રૂપિયાની.

લુધિયાણાના બાંસી ગામની મહેશ્વરી સાહની નામની આ મહિલા આમ તો ઘરકામ કરીને પોતાનું અને દીકરીનું ગુજરાન ચલાવતી હતી, પણ તેને થયું કે દીકરીના બર્થ-ડેને સ્પેશ્યલ બનાવવા કંઈક કરું. દીકરીને ગિફ્ટ આપવા માટે તેની પાસે પૈસા નહોતા એટલે દીકરીએ કહ્યું કે ગિફ્ટને બદલે આપણે લૉટરીની ટિકિટ લઈએ. મહેશ્વરીએ પોતાના દાગીના ગિરવી મૂકીને ૨૦૦૦ રૂપિયાની લૉટરીની ૪ ટિકિટ ખરીદી લીધી અને નસીબજોગે એમાં તેમને એક બમ્પર ઇનામ લાગી ગયું.

દીકરીનો બર્થ-ડે અમારે માટે લકી સાબિત થયો છે એવું જણાવતાં મહેશ્વરીએ કહ્યું હતું કે ‘મને હંમેશાં દીકરીના એજ્યુકેશનની ચિંતા રહેતી, હવે હું તેને સારી રીતે ભણાવી શકીશ.’ હકીકતમાં મહેશ્વરી સિંગલ મધર છે. તેણે પતિ સાથે છૂટાછેડા લઈ લીધા છે. તેનો એક દીકરો હતો, પણ તેનું અવસાન થઈ ગયું હતું.

offbeat news punjab ludhiana india rajasthan