મહામારીમાં મસીહા બનીને ઊભરી આવેલા સોનુ સૂદનું મંદિર બન્યું તેલંગણમાં

22 December, 2020 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહામારીમાં મસીહા બનીને ઊભરી આવેલા સોનુ સૂદનું મંદિર બન્યું તેલંગણમાં

આ વર્ષે લાંબા લૉકડાઉન દરમ્યાન અનેક ગરીબોના મસીહા તરીકે ઊભરી આવેલા બૉલીવુડના ઍક્ટર સોનુ સૂદને ભારતના ખૂણે-ખૂણેથી લોકોએ પ્રેમની લહાણી કરી છે. જોકે તેલંગણમાં તો તે આ પ્રેમભક્તિમાં પલળી રહ્યો છે. તેલંગણના સિદ્દીપેટ જિલ્લા-અધિકારીઓની મદદથી ડુબા ટાંડા ગામના સ્થાનિક લોકોએ તો સોનુ સૂદની મૂર્તિ સહિતનું એક મંદિર બનાવી દીધું છે.

રવિવારે મૂર્તિના શિલ્પકાર અને સ્થાનિક લોકોની હાજરીમાં સોનુ સૂદના આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે આરતી કરવા ઉપરાંત મહિલાઓ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં લોકગીતો પણ ગવાયાં હતાં.

મહામારી દરમ્યાન પરપ્રાંતીય લોકોની વહારે આવીને સોનુ સૂદે ભારતનાં ૨૮ રાજ્યોના લોકોનાં દિલ જીતી લીધાં છે અને એટલે જ અનેક લોકોએ તેમને ભગવાનનો દરજ્જો આપ્યો છે. સોનુ સૂદના આ માનવતાવાદી કાર્યની નોંધ આખા વિશ્વમાં લેવાઈ છે. અમેરિકા દ્વારા તેને એસડીજીનો વિશેષ માનવતાવાદી ક્રિયા અવૉર્ડ મળ્યો હતો. આ બધાથી પ્રેરાઈને તેલંગણના એક ગ્રુપે પોતાના ગામમાં તેને માટે મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. સોનુ સૂદની મૂર્તિ બનાવનારા શિલ્પકાર મધુસૂદન પાલે મંદિરની મૂર્તિ ઉપરાંત એક નાની મૂર્તિ પણ બનાવી છે જે ઍક્ટરને ભેટ આપવામાં આવશે. 

coronavirus covid19 national news telangana sonu sood offbeat news