ચીની ટીનેજરની હિન્દી ફિલ્મો જેવી કહાણી

24 September, 2020 08:46 AM IST  |  Mumbai | Mumbai correspondent

ચીની ટીનેજરની હિન્દી ફિલ્મો જેવી કહાણી

ચીની ટીનેજરની હિન્દી ફિલ્મો જેવી કહાણી

ચીનનાં પ્રસાર માધ્યમોમાં હિન્દી ફિલ્મોની કથા જેવો એક કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. નવ વર્ષના એક બાળકે તેના પિતાની હત્યા કરતાં પાડોશીને જોયા. ત્યાર પછી એ છોકરો ગુનેગારને પકડીને વેરની વસૂલાત કરવા માટે સ્કૂલ છોડીને ૧૭ વર્ષો સુધી ઝઝૂમ્યો હતો. શેન્શિયૉન્ગ પ્રાંતના ચાંગબા શહેરમાં વર્ષ ૨૦૦૦ની ૯ ઑગસ્ટે ઝિયાંગ મિંગિયાન નામનો નવ વર્ષનો છોકરો પાડોશમાં રહેતા છોકરા શાંગ જૂન જોડે રમતો હતો. શાંગ જૂને કાદવમાં પથ્થર ફેંક્યો અને એના છાંટા ઝિયાંગ મિંગિયાનને ઊડ્યા હતા. ઝિયાંગે સામે ગંદા પાણીમાં મોટો પથ્થર ફેંક્યો હતો. ત્યાર પછી બે બાળકોની રમત બન્ને પરિવારો વચ્ચે મોટા ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. શાંગ જૂનના પરિવારે ઝિયાંગ અને તેની બહેનને મારઝૂડ કરી હતી. એ ઝઘડાના સંદર્ભમાં ઝિયાંગના પિતા શાંગના ઘરે ગયા ત્યારે તેમના પેટમાં ચપ્પુના પ્રહારો કરવામાં આવ્યા હતા. ઝિયાંગના પરિવારે એ જ રાતે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પરંતુ પોલીસ સ્ટાફ બીજા દિવસે સવારે આવ્યો. કોઈની પૂછપરછ કે ધરપકડ ન કરી. હત્યારા શાંગ મોકીને નાસી જવાની પૂરી મોકળાશ પોલીસે આપી હતી. જોકે બીજી તરફ પિતાના મૃત્યુ પછી ઝિયાંગ મિંગિયાનનું  જીવન બદલાઈ ગયું હતું. ઘરમાં કમાનાર વ્યક્તિ નહીં હોવાથી તે નૂડલ્સ વેચીને ગુજરાન ચલાવવા મજબૂર હતો. સ્કૂલ છોડી દીધી હતી. ત્યાર પછી પોલીસને શાંગ સામેની કાર્યવાહીમાં કોઈ રસ નહોતો. ઝિયાંગે પિતાની હત્યાના પુરાવા અને શાંગ ક્યાં છે એનાં સગડને આધારે ૨૦૧૫માં ગુનેગારને પકડાવવાનો કરેલો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, કારણ કે પોલીસે કહ્યું કે શાંગ વિશે કોઈ રેકૉર્ડ અમારી પાસે નથી. ૨૦૧૮ની ૧૦ ઑક્ટોબરે અદાલતનો આદેશ મેળવીને હત્યારા શાંગની ધરપકડ કરાવવામાં ઝિયાંગને સફળતા મળી ત્યારે હત્યાની ઘટનાને ૧૭ વર્ષ, ૪ દિવસ થયાં હતાં.

international news offbeat news china