18 January, 2026 01:54 PM IST | odisha | Gujarati Mid-day Correspondent
તાપસ
ઓડિશામાં એક બાળકે ફુગ્ગો ફુલાવતી વખતે ગરબડ કરીને શ્વાસ બહાર ફેંકવાને બદલે ઊંડો ખેંચતાં ફુગ્ગો મોંમાં જતો રહ્યો હતો. ૬ વર્ષના તાપસ નામના છોકરાને કોઈકે ચિપ્સનું પૅકેટ લઈને આપ્યું હતું. તેણે આરામથી પહેલાં તો પૅકેટ ખોલ્યું અને પછી ચિપ્સ ખાવાની શરૂ કરી. એ પછી એમાંથી એક બલૂન જેવું રમકડું પણ તેને મળ્યું. તેણે એ ફુગ્ગાને ફુલાવવાની કોશિશ કરી. જોકે એ જ વખતે તેણે શ્વાસ છોડવાને બદલે એટલો જોરથી ખેંચી લીધો કે ફુગ્ગો મોંમાં જતો રહ્યો અને એટલો ઊંડો જતો રહ્યો કે મોંમાં ઊંડે જઈને ગળામાં ફસાઈ ગયો. એને કારણે શ્વાસ લેવામાં તેને મુશ્કેલી થવા લાગી. તરત જ પરિવારજનો તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે ગળામાં ઊંડે ઊતરી ગયેલા ફુગ્ગાને કાઢવા માટે ચીપિયો નાખ્યો, પણ ફુગ્ગો ખૂબ જ ઊંડે જતો રહ્યો હતો. શ્વાસ રૂંધાવાને કારણે ત્વચાનો રંગ ભૂરો થવા લાગતાં તેને મોટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે ત્યાંના ડૉક્ટરોએ તેને તપાસીને જ મૃત ઘોષિત કરી દીધો હતો.