માચીસની ડબ્બીમાં સમાઈ જાય એવી સાડી

14 January, 2022 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથવણાટની સાડીની કિંમત ૧૨,૦૦૦ રૂપિયા જ્યારે મશીનથી તૈયાર કરવામાં આવેલી સાડીની કિંમત ૮૦૦૦ રૂપિયા છે. 

માચીસની ડબ્બીમાં સમાઈ જાય એવી સાડી

તેલંગણના સિરસિલા જિલ્લાના નલ્લા વિજય નામના શખસે એક સાડી તૈયાર કરી છે જે નાનકડી માચીસની ડબ્બીમાં ફિટ થઈ જાય એટલી નાની છે. મંગળવારે તેલંગણના પ્રધાનો કે. ટી. રામારાવ, પી. સબીતા ઇન્દ્ર રેડ્ડી, વી. શ્રીનિવાસ ગૌડ અને ઇરાબેલી દયાકર રાવ સમક્ષ આ સાડી પ્રદર્શિત કરવામાં આવી હતી, જેઓએ આ સાડીની અને એ બનાવનાર વણકરની કારીગરીની પ્રશંસા કરતાં આ અદ્ભુત અને નવીનતમ સાડી માટે સહાય કરવાની ખાતરી આપી હતી. આ સાડી તેણે સબીતા ઇન્દ્ર રેડ્ડીને ભેટ આપી હતી. 
આ સાડી બનાવવામાં તેને ૬ દિવસ લાગ્યા હતા. મશીનથી સાડી બનાવાય તો એ ત્રણ દિવસમાં તૈયાર થઈ શકે. હાથવણાટની સાડીની કિંમત ૧૨,૦૦૦ રૂપિયા જ્યારે મશીનથી તૈયાર કરવામાં આવેલી સાડીની કિંમત ૮૦૦૦ રૂપિયા છે. 
સરસિલામાં હૅન્ડલૂમ સેક્ટરમાં તાજેતરના સમયમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે એમ જણાવીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સમર્થનનો આભાર માનતાં વિજયે પ્રધાનોને કહ્યું હતું કે સિરસિલાના વણકરો અદ્યતન તકનિક અને આધુનિક સાધનો અપનાવી રહ્યા છે.
વિજયે તૈયાર કરેલી સાડી અગાઉ ૨૦૧૭માં વર્લ્ડ તેલેગુ કૉન્ફરન્સમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા તેમનાં પત્ની મિશેલ ઓબામા સાથે ૨૦૧૫માં ભારત આવ્યા ત્યારે તેમને સુપર ફાઇન સિલ્કથી બનેલી સાડી ગિફ્ટ કરી હતી.

offbeat news national news