પચીસ રૂપિયાનું અથાણું રેસ્ટોરાંને ૩૫,૦૨૫ રૂપિયામાં પડ્યું

29 July, 2024 10:03 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

કન્ઝ્યુમર કોર્ટે રેસ્ટોરાંને આ ગ્રાહકને અથાણાંના પચીસ રૂપિયા પાછા આપવાનું કહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુની એક રેસ્ટોરાંને ૮૦ રૂપિયાની એક એવી પચીસ ડિશનો ઑર્ડર મળ્યો હતો. એક ગ્રાહકે પોતાના ઘરે સ્વજનના મરણપ્રસંગે પચીસ જણ માટે ફૂડ મગાવ્યું હતું. એમાં સફેદ રાઇસ, સાંભાર, રસમ, કોત્તુ, છાશ, અપ્પમ અને પિકલનો સમાવેશ થતો હતો. મૌખિક વાતચીત દરમ્યાન તે ગ્રાહકને કહેવામાં આવ્યું હતું કે દરેક ડિશની સાથે તેમને એક રૂપિયાની કિંમતનું અથાણું પણ આપવામાં આવશે. જોકે રેસ્ટોરાં એ ઑર્ડરમાં અથાણું આપવાનું ભૂલી ગઈ એટલું જ નહીં, ૨૦૦૦ રૂપિયાનું બિલ પણ ઑર્ડર સાથે આપવામાં નહોતું આવ્યું. ૨૦૨૨માં બનેલી આ ઘટના માટે એ વખતે જ કસ્ટમરે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ફૂડ સર્વિસમાં ઊણપ રહી ગઈ અને મહેમાનોને અથાણું ન આપી શક્યા એ તેમના માટે દુખદ ઘટના બની રહી હતી એવી દલીલ કરી હતી. તાજેતરમાં આ કેસનો નિવેડો આવ્યો હતો અને કન્ઝ્યુમર કોર્ટે રેસ્ટોરાંને આ ગ્રાહકને અથાણાંના પચીસ રૂપિયા પાછા આપવાનું કહ્યું છે એટલું જ નહીં, માનસિક હેરાનગતિ બદલ ૩૦,૦૦૦ રૂપિયા અને કોર્ટ કેસ માટે થયેલા ખર્ચ પેટે ૫૦૦૦ રૂપિયા એમ કુલ ૩૫,૦૨૫ રૂપિયા કસ્ટમરને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

tamil nadu offbeat news national news india