69 લાખ જીતવા આ ભાઈએ 20 દિવસ અંધારામાં એકલા વિતાવ્યા

09 January, 2019 08:24 AM IST  |  ઓસ્ટ્રેલિયા

69 લાખ જીતવા આ ભાઈએ 20 દિવસ અંધારામાં એકલા વિતાવ્યા

ઘોર અંધારી રૂમમાં ઉતર્યા પોકર પ્લેયર ભાઈ !

તમે એકાંતમાં કેટલા દિવસ રહી શકો? આ એકાંતના સમયમાં તમને પ્રકાશનો પણ સાથ ન હોય તો શું? ઑસ્ટ્રેલિયન પોકર-પ્લેયર રૉરી યંગે તેના દોસ્ત રિચ અલૅટીને રમત-રમતમાં જ પૂછ્યું કે તું કેટલા દિવસ કોઈ પણ માણસના સંપર્ક વિના અંધારામાં જીવી શકે? રિચે કહી દીધું કે પોતે એકાદ મહિનો તો આરામથી ખેંચી લઈ શકે. રૉરી યંગને એ વાત જચી નહીં. બન્નેએ એક લાખ ડૉલર એટલે કે ૬૯ લાખ રૂપિયાની શરત લગાવી. બન્નેએ એસ્ક્રો અકાઉન્ટમાં પોતપોતાના તરફથી એક લાખ ડૉલર જમા કરાવ્યા. જે વ્યક્તિ શરત હારી જાય તેણે જમા કરેલા ડૉલર જીતનારને મળી જાય.

રૂમમાં ન તો ઘડિયાળ હતી ન તો પ્રકાશ

આટલી ગોઠવણ પછી બન્નેએ એક ખાસ રૂમની વ્યવસ્થા કરી. ચામાચીડિયા અંધારામાં રહેવાના આદતી હોય છે એટલે બેટ-સ્ટાઇલ રૂમ તૈયાર કરવામાં આવ્યો. રમત-રમતમાં શરૂ થયેલી શરત માટે લેખિત કરાર સુધ્ધાં થયો. લાસ વેગસમાં એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો જેમાં ઘોરઅંધારું હતું અને ક્યાંયથી પણ પ્રકાશનું એક કિરણ પણ અંદર આવી ન શકે એવી સ્થિતિ હતી. લક્ઝુરિયસ બેડ અને બાથરૂમ એ રૂમમાં હતાં. દર થોડા સમયે તેને જે ખાવું હોય એ પહોંચાડવામાં આવતું. રૉરી યંગે પોતે જ ખાવાનું પહોંચાડવાનું કામ માથે લીધું હતું. રિચ અલૅટીને કોઈ જ પ્રકારનાં લાઇટ-એમિટિંગ ગૅજેટ્સ વાપરવાની પણ છૂટ નહોતી. તેને કેટલો સમય જઈ રહ્યો છે એનો અંદાજ પણ નહોતો આવતો. જે વખતે તે માનસિક રીતે થાકી જાય ત્યારે તેણે સામેથી આ શરત પડતી મૂકીને બહાર આવવાનું હતું.

આ પણ વાંચોઃ આ મૂર્તિઓ માખણમાંથી બનાવી છે, ખાતા નહીં !

શરૂઆતના પંદર દિવસ તો બહુ જ સરસ રીતે નીકળી ગયા. જોકે વીસમો દિવસ આવતાં સુધીમાં રિચ થાકી ગયો. તેણે જ્યારે મિત્ર જમવાનું આપવા આવ્યો ત્યારે તેની સાથે નિગોશિએટ કરવાનું શરૂ કરી દીધું. આટલા લાંબા સમય સુધી તેણે ચૅલેન્જ ઉઠાવી હોવાથી જો તે અધવચ્ચેથી ટાસ્ક પડતો મૂકવા માગે તો તેણે માત્ર ૬૦.૨ હજાર ડૉલર જ ચૂકવવાની વાટાઘાટો કરી અને ફાઇનલ મહોર મારી દીધી. આખરે વીસ દિવસ ઘોરઅંધારામાં રહ્યા પછી પણ તે શરત હારી ગયો અને લગભગ ૪૨ લાખ રૂપિયા પણ ગુમાવ્યા.

offbeat news