૩કિલો ચાંદીમાંથી૬૫ દેવી-દેવતાઓ કોતરીને બનાવી ૨૫ લાખ રૂપિયાની યાદગાર કંકોતરી

21 January, 2026 02:34 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

આ કાર્ડ પર ભગવાન કૃષ્ણના જીવનની તમામ લીલાઓનું દર્શન કરાવતાં દૃશ્યો પણ કાર્ડમાં છે.

જોઈ લો કંકોતરી

જયપુરના શિવ જૌહરીએ દીકરીનાં લગ્નને યાદગાર બનાવવા માટે ૩ કિલો શુદ્ધ ચાંદીમાંથી અનોખી કંકોતરી બનાવી હતી. લગભગ ૨૫ લાખ રૂપિયાના આ કાર્ડને બનતાં એક વર્ષ લાગ્યું હતું. એમાં ૬૫ દેવી-દેવતાઓની પ્રતિમાઓ, કૃષ્ણલીલા અને ભગવાન વિષ્ણુના દશાવતારની કોતરણી કરવામાં આવી છે. લગ્નની કંકોતરી માત્ર પરિવારમાં જ નહીં, આખા શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે લગ્નનું આમંત્ર કાગળ પર બનતું હોય છે, પરંતુ શિવ જૌહરીએ એને ભાવનાઓ, આસ્થા અને કળાના સંગમ બનાવી દીધું. દીકરીને યાદગાર લગ્નની કંકોતરી ભેટમાં આપવા માટે તેમણે ત્રણ કિલો ચાંદી પર તમામ દેવી-દેવતાઓની પ્રતિમાઓ કોતરાવી હતી. સૌથી ઉપર ગણેશજી બિરાજમાન છે અને એની આજુબાજુમાં શિવ અને પાર્વતી છે. એ ઉપરાંત માતા લક્ષ્મી અને વિષ્ણુનું સ્થાન પણ છે. તિરુપતિ બાલાજીનાં બે સ્વરૂપ અને તેમના દ્વારપાલ તેમ જ શંખ અને નગારાં વગાડતા દેવતાઓની આકૃતિ કોતરાવી હતી. કાર્ડની વચ્ચે દીકરી શ્રુતિ જૌહરી અને તેના થનારા પતિ હર્ષ સોનીનું નામ અંકિત કરેલું છે. તેમના નામની આસપાસ હાથીઓ પુષ્પવર્ષા કરતા હોય એવું દર્શાવાયું છે. આ નિમંત્રણપત્રિકા પર વર-વધૂનાં માતાપિતા અને આખા પરિવારનું નામ પણ કોતરવામાં આવ્યું છે. 

આ કાર્ડ પર ભગવાન કૃષ્ણના જીવનની તમામ લીલાઓનું દર્શન કરાવતાં દૃશ્યો પણ કાર્ડમાં છે. દક્ષિણ ભારતીય શૈલીમાં કૃષ્ણ એક મુખ અને પાંચ ધડવાળા સ્વરૂપે હોય છે અને તેમની ચોતરફ આઠ ગાયો હોય છે. એ પણ આ કાર્ડમાં છે. ભગવાન વિષ્ણુના દશાવતાર પણ એમાં છે. 

આ આખું કાર્ડ ૧૨૮ અલગ-અલગ ચાંદીના ટુકડાઓ ભેગા કરીને તૈયાર કરવામાં આવ્યું છે. એને જોડવા માટે કોઈ ખીલી કે પૅચનો ઉપયોગ નથી થયો. શિવ જૌહરીનું કહેવું છે કે ‘દીકરીની વિદાય માત્ર એક રસમ જ નથી. મારું સપનું હતું કે દીકરીને સગાંસંબંધીઓના જ નહીં, સૃષ્ટિનાં તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે.’

offbeat news jaipur india national news