વિમાન-અકસ્માતમાં મૃત્યુ પામેલા મનાતા આ ભાઈ ૪૫ વર્ષે જીવતા પાછા આવ્યા

28 July, 2021 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેરલામાં સાજિદના પરિવારથી પરિચિત એક સામાજિક કાર્યકરને સાજિદ મુંબઈમાં હોવાની કોઈક રીતે જાણ થઈ હતી અને તેણે સાજિદનું તાજેતરમાં કેરલામાં પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

વિમાન-અકસ્માતમાં મૃત્યુ પામેલા મનાતા આ ભાઈ ૪૫ વર્ષે જીવતા પાછા આવ્યા

કેરલાની મલયાલમ ફિલ્મોની તો ખબર નથી, પણ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં સામાન્ય રીતે પરિવારની ગુમ થયેલી વ્યક્તિ ૨૦થી ૨૫ વર્ષે પાછી આવતી હોય છે અને ફૅમિલી સાથે તેનું પુનઃ મિલન થાય છે. જોકે કેરલાના ૭૦ વર્ષના સાજિદ થુન્ગલ ૪૫ વર્ષે પાછા પોતાના પરિવાર સાથે જોડાયા છે.
તેઓ પચીસ વર્ષના હતા ત્યારે ૧૯૭૬માં બૉમ્બે ઍરપોર્ટ ખાતે ઉતરાણ કરી રહેલું ઇન્ડિયન ઍરલાઇન્સનું વિમાન યાંત્રિક ખરાબીને કારણે તૂટી પડ્યું હતું અને એમાંના તમામ ૯૫ જણનાં મૃત્યુ થયાં હતાં. સાજિદ એ અરસામાં યુએસમાં નોકરી માટે ગયા હતા અને તેમના પરિવારજનો ત્યારે એવું માની બેઠા હતા કે સાજિદનું પણ એ વિમાન-અકસ્માતમાં મૃત્યુ થયું છે. જોકે સાજિદ એ વિમાનમાં હતા જ નહીં. હા, મલયાલી ફિલ્મી પર્ફોર્મરોના એક ગ્રુપના તમામ ૧૦ મેમ્બરો એ હોનારતમાં મૃત્યુ પામ્યા હતા.
કોઈક પારિવારિક અણબનાવને કારણે સાજિદે ત્યારે ફૅમિલીનો સંપર્ક જ નહોતો કર્યો અને થોડાં વર્ષો પછી યુએઈથી મુંબઈ આવીને નાનો ધંધો શરૂ કર્યો હતો. તેઓ પ્લેન-ક્રૅશમાં ૧૦ સાથી-પર્ફોર્મરોનાં થયેલાં મૃત્યુને 
લીધે આટલાં વર્ષો સુધી ડિપ્રેશન અને માનસિક અસ્વસ્થતાથી પીડાતા હતા. છેક ૨૦૧૯ સુધી તેમણે મુંબઈથી કેરલામાંના પોતાના પરિવાર સાથે કોઈ સંપર્ક જ નહોતો કર્યો. ૨૦૧૯માં એક જૂના મિત્રએ તેમને એક આશ્રયસ્થાનમાં જગ્યા અપાવી હતી. કેરલામાં સાજિદના પરિવારથી પરિચિત એક સામાજિક કાર્યકરને સાજિદ મુંબઈમાં હોવાની કોઈક રીતે જાણ થઈ હતી અને તેણે સાજિદનું તાજેતરમાં કેરલામાં પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

offbeat news