બાળમંદિરનો આ ટીચર પોતે હજી સ્ટુડન્ટ જેવો જ દેખાય છે

01 October, 2019 04:08 PM IST  |  મુંબઈ

બાળમંદિરનો આ ટીચર પોતે હજી સ્ટુડન્ટ જેવો જ દેખાય છે

ઇયાનનો ચહેરો હજીયે બાળક જેવો માસૂમ છે

ઘણી વાર કોઈ ગંભીર બીમારીને કારણે બાળકના શરીરનો વિકાસ થતો ન હોવાથી તે ઠીંગણો રહી જતો હોય છે. જોકે ફિલિપીન્સના બુલાકૅન પ્રાંતના સૅન જોઝે ડેલ મોન્ટ ટાઉનમાં રહેતો બાવીસ વર્ષનો ઇયાન ફ્રાન્સિસ મન્ગા નામનો યુવક કોઈ ગંભીર રોગ નથી ધરાવતો. એમ છતાં એનાં કદ-કાઠી નાનાં છે. એટલું જ નહીં, ઇયાનનો ચહેરો હજીયે બાળક જેવો માસૂમ છે. કિશોરાવસ્થા સુધી કોઈને અંદાજ નહોતો કે ઇયાનના વિકાસમાં કશુંક ખૂટે છે. જોકે તેની ઉંમરના બીજા છોકરાઓને દાઢીમૂછ ઊગવા લાગી અને અવાજમાં બદલાવ આવવા લાગ્યો એ પછી ફરક સમજાણો. પ્યુબર્ટી એજ પૂરી થઈ ગઈ હોવા છતાં ઇયાનના ચહેરા પર બાળક જેવી માસૂમિયત હજીયે બરકરાર છે. અધૂરામાં પૂરું તે હાલમાં શિક્ષક તરીકે કામ કરે છે. બીજા ધોરણના બાળકોને તે ભણાવે છે. પ્રાઇમરી સ્કૂલમાં જ્યારે તે ફરતો હોય છે ત્યારે મોટા ભાગના લોકો તેને સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી જ સમજી બેસે છે. નવાઈની વાત એ છે કે તે જ્યારે ભણતો હતો ત્યારે પણ તેના સહાધ્યાયીઓએ તેને બહુ સહજતાથી સ્વીકારી લીધો હતો અને ભણ્યા પછી તેને નોકરી પણ બહુ સરળતાથી મળી ગઈ. સ્કૂલમાં આવ્યા પછી બાલમંદિરના બાળકોને ભણાવે છે. તેના સ્ટુડન્ટ્સ ઇયાનને ટીચર નહીં, પોતાનો મોટો ભાઈ જ માને છે અને એમાં તેને કોઈ વાંધો નથી. અત્યાર સુધીમાં તેને કોઈ તરફથી ઘૃણાસ્પદ અનુભવ થયો નથી એટલે તેને જિંદગીમાં કોઈ તકલીફ નથી. તેનું કદ અને ચહેરો કેમ હજી બાળક જેવાં જ રહી ગયા છે એ સમજવા માટે તેણે ડૉક્ટરને પણ કન્સલ્ટ નથી કર્યા. તે પુખ્તવયનો દેખાવા માટે એડલ્ટ્સ જેવા કપડાં અને શૂઝ પહેરે છે જેથી ભલે પહેલી નજરે લોકો થાપ ખાઈ જાય, પણ જ્યારે તે પોતાની સાચી ઉંમર કહે ત્યારે સામેવાળાને એ માનવામાં બહુ તકલીફ ન પડે.

offbeat news