આ નિવૃત્ત ખલાસીએ ૭૦,૦૦૦ દિવાસળીથી બનાવી ૪૦૦ વર્ષ જૂના જહાજની પ્રતિકૃતિ

28 February, 2020 03:46 PM IST  |  Mumbai Desk

આ નિવૃત્ત ખલાસીએ ૭૦,૦૦૦ દિવાસળીથી બનાવી ૪૦૦ વર્ષ જૂના જહાજની પ્રતિકૃતિ

મેફ્લોવરન શિપના ઍટલાન્ટિકમાં પ્રવાસને લગભગ ૪૦૦ વર્ષ થવા આવ્યાં છે ત્યારે નિવૃત્ત ખલાસી ડેવિડ રેનોલ્ડે માચીસની કાંડીની મદદથી મેફ્લોવરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે. ૬૧ વર્ષના ડેવિડે બનાવેલી પ્રતિકૃતિમાં આ ઐતિહાસિક જહાજની ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જે માટે લગભગ ૭૦,૦૦૦ જેટલી માચીસની સળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૪ ફુટ ઊંચી અને પાંચ ફીટ લાંબી જહાજની આ પ્રતિકૃતિમાં નાના કદના લંગર અને એક બાજુએ નાના સખત બ્લૉક્સ પણ મૂકવામાં આવ્યા છે. રેનોલ્ડે જહાજનું પ્રતીક કંડારવા ઉપરાંત ડેક પર નાની લાઇફ બોટ તેમ જ નાનાં હલેસાં અને સીટ પણ બનાવી છે.

લગભગ ૭ કિલો જેટલું વજન ધરાવતી આ પ્રતિકૃતિ લગભગ બે વર્ષમાં કુલ ૯૦૦ કલાકમાં તૈયાર કરાઈ હતી. રેનોલ્ડ મર્ચન્ટ નેવીમાં હતા ત્યારથી જ તેમણે જહાજની પ્રતિકૃતિ તૈયાર કરવાની શરૂઆત કરી હતી. નિવૃત્તિ પછી તેમણે પોતાના આ શોખને ફરી જાગ્રત કર્યો હતો.

રેનોલ્ડના ત્રણ બેડરૂમના ઘરમાં રહેલી વિવિધ જહાજની ૪૦ જેટલી પ્રતિકૃતિઓમાં મેફ્લોવર પણ સમાવિષ્ટ છે. રેનોલ્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી નૉર્થ સી ઑઇલ પ્લૅટફૉર્મની ૨૧ ફીટ ઊંચી પ્રતિકૃતિએ માચીસની કાંડીથી તૈયાર કરવામાં આવેલા સૌથી મોટા મૉડલનો રેકૉર્ડ બનાવ્યો છે. આ મૉડલ તૈયાર કરવામાં ૧૫ વર્ષ લાગ્યાં હતાં તથા ૪૧ લાખ માચીસની કાંડી વપરાઈ હતી.

international news offbeat news