વિશ્વનો સૌથી ઝેરી સાપ ખાધા પછી પણ દેડકો જીવતો રહ્યો

07 February, 2020 09:48 AM IST  |  Mumbai Desk

વિશ્વનો સૌથી ઝેરી સાપ ખાધા પછી પણ દેડકો જીવતો રહ્યો

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડમાં વૃક્ષ પર રહેતો એક દેડકો કોસ્ટલ તાઇપાન નામનો ઝેરી સાપ ખાધા પછી ચમત્કારિક રીતે જીવતો રહ્યો છે. કોસ્ટલ તાઇપાન વિશ્વના સૌથી ઝેરી સાપમાં ત્રીજા ક્રમે છે. આ જાતિનો સાપ ડંખ મારે ત્યારે એનું ઝેર છેક સ્નાયુઓ સુધી પહોંચીને જ્ઞાનતંતુઓને અસર કરે છે. ક્વીન્સલૅન્ડના ‘સ્નૅક ટેક અવે’ અને ચૅપલ પેસ્ટ કન્ટ્રોલના માલિક જેમી ચૅપલને એક મહિલાના ઘરના પાછળના ભાગમાં દેડકો સાપને ખાઈ રહ્યો હોવાની માહિતી અપાતાં જેમી તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. સાપને બચાવવાના ઉદ્દેશથી જેમીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ જેમી પહોંચ્યા ત્યારે દેડકો સાપને લગભગ અડધો ખાઈ ચૂક્યો હતો. થોડી મિનિટમાં આખો સાપ ગળી જવાની તૈયારી હતી. એ વખતે જોકે સાપને બચાવવા કરતાં દેડકો જીવતો રહે એની ચિંતા કરવાની હતી, કારણ કે કોસ્ટલ તાઇપાનના અતિશય ઝેરને કારણે દેડકાનું મોત નિશ્ચિત મનાતું હતું, પરંતુ જેમી સાપને બદલે દેડકાને ઘરે લઈ ગયા અને એ મરવાની રાહ જોતા હતા. જોકે દેડકો કેટલાક દિવસ પછી પણ જીવતો અને સ્વસ્થ છે. જેમીએ આ અનુભવ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની પોસ્ટમાં વર્ણવ્યો છે.

international news offbeat news