મા એ મા છે, પણ શિકારી એ શિકારી જ

05 January, 2020 12:45 PM IST  |  Mumbai Desk

મા એ મા છે, પણ શિકારી એ શિકારી જ

માતૃત્વ એક સુંદર અહેસાસ છે, કોઈ પણ પ્રજાતિની માદા પછી એ મનુષ્ય હોય કે પ્રાણી, માતૃત્વનો અહેસાસ પ્રત્યેકમાં હોય છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને સફારી ગાઇડ ફેડરિકોએ એક વિડિયો લીધો હતો જે ખરેખર જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે.

ફેડરિકે કેન્યાના મસાઈમારા નૅશનલ રિઝર્વમાં લીધેલા વિડિયોમાં હરણનું તાજું જ જન્મેલું બચ્ચું માતાના લાડ લેવા નિર્દોષપણે માદા ચિત્તા પાસે જાય છે. થોડા સમય માટે માદા ચિત્તા પણ ભાવાવેશમાં પોતાનું બચ્ચું સમજીને એને પ્રેમ કરે છે અને એની સાથે રમે છે. જોકે થોડા સમય બાદ હરણનું બચ્ચું એનાથી દૂર જવાનો પ્રયાસ કરે છે એ સમયે એને પોતાની ભૂલ સમજાય છે અને માદા ચિત્તો બચ્ચાનો શિકાર કરે છે.
વિડિયોમાં જોવા મળે છે કે કઈ રીતે હરણનું બચ્ચું એના જ શિકારી પાસે જાય છે અને એ સમયે માદા ચિત્તાની અંદર માતૃત્વ ઊભરાઈ જતાં એ પણ બચ્ચા સાથે રમવા માંડે છે. આ વખતે માદા ચિત્તા ભૂલી જાય છે કે બચ્ચું એનું તો નથી જ, પણ એની પ્રજાતિનું પણ નથી.
હરણના બચ્ચાના નિર્દોષ પ્રેમે માદા ચિત્તાના માતૃત્વને જગાવી દીધું. પ્રાણીને બચ્ચાને જન્મ આપતા જોવું એ એક અદ્ભુત દૃશ્ય છે, પરંતુ આ પ્રકારે શિકારી પ્રાણી મારવાનું ભૂલીને પ્રેમ કરે એ દૃશ્ય એથી પણ વધુ અદ્ભુત છે.

offbeat news