પોતાની કંપનીના ડૉગફૂડને શ્રેષ્ઠ પુરવાર કરવા ૩૦ દિવસ ડૉગફૂડ પર રહ્યા

13 February, 2020 08:25 AM IST  |  Mumbai Desk

પોતાની કંપનીના ડૉગફૂડને શ્રેષ્ઠ પુરવાર કરવા ૩૦ દિવસ ડૉગફૂડ પર રહ્યા

ટેક્સસની ડૉગફૂડ બનાવતી કંપની મ્યુનેસ્ટર મિલિંગના સીઈઓ મિચ ફેડરહોફે એક મહિના સુધી માત્ર ડૉગફૂડ પર રહીને ડૉગફૂડ ડૉગીઓ માટે શ્રેષ્ઠ ખોરાક છે એ પુરવાર કર્યું છે. ઉચ્ચ ગુણવત્તાનું ડૉગફૂડ અને ટ્રીટ, હૉર્સફૂડ, ચિકનનો ખોરાક જેવો ખોરાક બનાવતી કંપનીના સીઈઓ મિચ ફેડરહોફે ત્રીજી જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી એમ પૂરા ૩૦ દિવસ સુધી માત્ર ડૉગફૂડ ખાધું હતું.
પોતાના અનુભવ વિશે તેમણે કહ્યું હતું કે ‘ડૉગફૂડ ખાવું સરળ વાત નથી. પહેલું અઠવાડિયું મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. એમાં પણ પ્રથમ ચાર દિવસ તો ખરેખર કપરા હતા. મને જરાય સારું લાગતું નહોતું. જોકે મેં નિશ્ચય કર્યો હતો કે મારે ડૉગફૂડ ખાવું જ છે. ત્રીજા અઠવાડિયા પછી મને વિશેષ તકલીફ નહોતી પડી અને ઍન્શિયન્ટ ગ્રેઇન્સ, ઓશનફિશ અને મીટબોલ્સ મારી ફેવરિટ ટ્રીટ બની ગઈ હતી. જોકે માનવીય ખોરાકની કમી તો સાલતી હતી.’

મ્યુનેસ્ટર મિલિંગ ડૉગી માટે શ્રેષ્ઠ વસ્તુ જ બનાવે છે અને ડૉગીઓના સ્વાસ્થ્ય માટે એ જરાય હાનિકારક નથી એ જ હેતુ હતો કંપનીના સીઈઓ મિચ ફેડરહોફનો. જોકે ૩૦ દિવસ સુધી ડૉગફૂડ ખાવાથી તેમનું વજન સહેજે ૬૬ કિલો જેટલું ઘટી ગયું હતું. ત્વચા ચમકીલી બની હતી તેમ જ વાળનો ગ્રોથ વધ્યો હતો.

offbeat news international news