આ દાદા બેઘરોના શેફ તરીકે ઓળખાય છે

10 February, 2020 11:28 AM IST  |  Mumbai Desk

આ દાદા બેઘરોના શેફ તરીકે ઓળખાય છે

કહેવાય છે કે તમામ દાનમાં અન્નદાન શ્રેષ્ઠ ગણાય છે. દાનવીર કર્ણે પણ જીવનમાં એક વખત અન્નદાનનું સ્થળ દર્શાવવા અંગુલિનિર્દેશ કર્યો હતો, જેને લીધે તેમની એ આંગળીમાં અમૃતનો સ્વાદ રહ્યો હોવાનું મનાય છે.

ઇટલીની રાજધાની રોમમાં રહેતા ૯૨ વર્ષના ડીનો ઇમ્પેગ્લિયાજો છેલ્લાં ૧૫ વર્ષથી અઠવાડિયામાં ત્રણ દિવસ શહેરના લગભગ ૧૦૦૦ ગરીબ અને બેઘર લોકોને ભોજન કરાવે છે, જેને લીધે તેમનું હુલામણું નામ ‘ગરીબોના શેફ’ પડ્યું છે.

ગરીબ અને બેઘર લોકો માટે ભોજન બનાવવા તેમણે એક રસોડું તૈયાર કર્યું છે, જેમાં દરરોજ ભોજન બને છે, જે અઠવાડિયામાં ત્રણ દિવસ રેલવે-સ્ટેશન પર અને એક દિવસ પ્રસિદ્ધ સેન્ટ પીટર્સ સ્ક્વેર પાસે વહેંચવામાં આવે છે.

આ કામમાં તેમને તેમની ટીમ મદદ કરે છે, જેમાં લગભગ ૩૦૦ સભ્યો છે. ડીનોની ટીમના સભ્યો અઠવાડિયાના ચાર દિવસ ફૂડ માર્કેટ અને બેકરીમાં ફરીને ફન્ડ ભેગું કરે છે અને એમાંથી ભોજન તૈયાર કરીને લોકોને વહેંચી દે છે. લગભગ ૧૫ વર્ષ પહેલાં એક જરૂરિયાતમંદ વ્યક્તિએ ભોજન કરવા ડીનો પાસે પૈસા માગ્યા હતા અને ત્યાર બાદ તેમને ભૂખ્યા લોકોને ભોજન કરાવવાનો વિચાર આવ્યો હતો. ડીનોનું માનવું છે કે તેમના આ કાર્યથી રોમના લોકોમાં પ્રેમ વધે છે.

ડીનોની આ પહેલ બદલ સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ તેમને સન્માનિત કરી ચૂક્યા છે. જોકે ડીનો જણાવે છે કે તેમણે ક્યારેય તેમના કામને આટલી બધી સફળતા મળશે એમ ધાર્યું નહોતું.

offbeat news international news