આ જૅપનીઝ અબજોપતિને ચાંદ પર જવું તો છે, પણ કોઈ યોગ્ય લાઇફ પાર્ટનર સાથે

14 January, 2020 11:58 AM IST  |  Mumbai Desk

આ જૅપનીઝ અબજોપતિને ચાંદ પર જવું તો છે, પણ કોઈ યોગ્ય લાઇફ પાર્ટનર સાથે

જપાનના ફૅશન જગતના માંધાતા અને અબજોપતિ એવા યુસાકુ મિઝાવા હમણાં જ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટના ૧૦૦૦ ફૉલોઅર્સમાં ૬૪ કરોડ રૂપિયા વહેંચવાની જાહેરાત કરીને ચર્ચામાં આવ્યા છે. યુસાકુભાઈ ૨૦૨૩ની સાલમાં પહેલી વાર ચંદ્ર પર જનારી સ્પેશ્યલ ફ્લાઇટમાં એક પેસેન્જર તરીકે જવાના છે. તાજેતરમાં તેમનું ગર્લફ્રેન્ડ સાથે બ્રેક-અપ થઈ ગયું છે એટલે બેશુમાર સંપત્તિ ધરાવતા આ ભાઈને હવે ચસકો ચડ્યો છે કે ચંદ્રમા પર એકલા જવામાં શું સાર! જો જીવનસાથી પણ સાથે હોય તો તેને કહી શકાય કે તને ચાંદ પર હું લઈ ગયો હતો! ૪૪ વર્ષના યુસાકુભાઈનું કહેવું છે કે સ્ટારશિપ રૉકેટમાં ઊડાન ભરતી વખતે સાથે સ્પેશ્યલ વુમન પણ પોતાની સાથે હોય તો વધુ સારું.
૧૯૭૨ પછીનું આ પહેલું માનવ મૂન મિશન હશે. યુસાકુભાઈનું કહેવું છે કે ‘અત્યાર સુધી હું મારી જિંદગી પોતાની રીતે જીવતો આવ્યો છું અને હવે ૪૪ વર્ષની વયે મને એકલવાયું મહેસૂસ થાય છે. એકલાપણું મારા પર હાવી થતું હોવાથી હું કોઈ પાર્ટનરની શોધમાં છું. અંતરિક્ષમાં જઈને પ્રેમ મહેસૂસ કરવા માગું છું.’
આ માટે મૅચ મેકિંગ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા ત્રણ મહિના લાંબી હશે. આવેદનકર્તા સિંગલ હોય એ જરૂરી છે. વીસ વર્ષથી મોટી વય હોય અને હકારાત્મક વિચારોની સાથે અંતરિક્ષમાં જવાની ઇચ્છા પણ હોય એ જરૂરી છે. ૧૭ જાન્યુઆરી સુધીમાં આ વેબસાઇટ પર અરજી કરવાની આ છેલ્લી તારીખ છે અને માર્ચના અંત સુધીમાં યુસાકુભાઈ એમાંથી પોતાની જીવનસંગિની પસંદ કરી લેશે.

international news offbeat news japan