બેન્ગાલ ટાઇગરને ૬ વર્ષની પાંજરાકેદ થયેલી, મુક્ત થઈને વાડામાં ફરી શકશે

06 January, 2020 05:14 PM IST  |  Mumbai Desk

બેન્ગાલ ટાઇગરને ૬ વર્ષની પાંજરાકેદ થયેલી, મુક્ત થઈને વાડામાં ફરી શકશે

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં રહેતા ૧૦ વર્ષના બેન્ગાલ ટાઇગર બિટ્ટુને લગભગ ૬ વર્ષ સુધી પાંજરામાં કેદ રાખ્યા બાદ ૨૫ ડિસેમ્બરે મુક્ત કરવામાં આવ્યો હતો. હવે બિટ્ટુ એના વાડામાં હરીફરી શકે છે તેમ જ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે છે. જોકે આ કાંઈ પહેલી વાર નહોતું કે બિટ્ટુને મુક્ત કરવામાં આવ્યો હોય, આ પહેલાં પણ તેને બે વખત મુક્ત કરાયો હતો, પરંતુ તેનાં તોફાનોને કારણે ફરીથી તેની આઝાદી છીનવાઈ ગઈ હતી.

૨૦૧૪માં કરવામાં આવેલી પશુઓની આપ-લે દરમ્યાન ચાર વર્ષના બિટ્ટુને ભોપાલના વનવિહાર રાષ્ટ્રીય ઉદ્યાનથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. પ્રથમ વાર જ્યારે બિટ્ટુને વાડામાં છોડવામાં આવ્યો ત્યારે તે ઝાડ પર ચડી ગયો હતો, જે સુરક્ષાની દૃષ્ટિએ જોખમી હતું. થોડો સમય પાંજરામાં કેદ રાખ્યા પછી ફરી મુક્ત કરવામાં આવ્યો તો બિટ્ટુએ પીંજરા પર ચડવાની કોશિશ કરી હતી. છેલ્લા ૬ મહિનાથી સતત એના પર નજર રાખ્યા બાદ હવે બિટ્ટુને મુક્ત કરવામાં આવ્યો છે.
જોકે એને મુક્ત કરતાં પહેલાં પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ વાડાની ઊંચાઈ વધારી દીધી છે તથા વાડાની અંદર રહેલા વૃક્ષની ડાળીઓ કાપી નાખી છે, જેથી બિટ્ટુ એના પર ચડી ન શકે. પ્રાણીસંગ્રહાલયમાં આવનારા મુલાકાતીઓ માટે પણ સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

delhi offbeat news