ડૉક્ટરના સર્ટિફિકેટમાં પોતાનું નામ ચિપકાવીને ફૅક ડૉક્ટર પકડાઈ ગયો

27 June, 2019 09:20 AM IST  |  રાજસ્થાન

ડૉક્ટરના સર્ટિફિકેટમાં પોતાનું નામ ચિપકાવીને ફૅક ડૉક્ટર પકડાઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર બનવું સહેલું નથી. ભણવાની દૃષ્ટિએ પણ અને પૈસાની દૃષ્ટિએ પણ. સેંકડો યુવાનો ખૂબ મહેનત કરીને મેડિકલનું ભણે છે અને પેરન્ટ્સ સંતાનોને ભણાવવા માટે પેટે પાટા બાંધીને મસમોટો ખર્ચો કરે છે. જોકે રાજસ્થાનના સીકર શહેરમાં ૪૪ વર્ષનો માનસિંહ બધેર કૃષ્ણકનૈયા કૅર સેન્ટરમાં ડૉક્ટરની જૉબ કરતો પકડાયો છે જે હકીકતમાં મેડિકલનું ભણ્યો જ નથી. માત્ર બારમી ચોપડી પાસ માનસિંહ આ હૉસ્પિટલમાંથી દર મહિને ડૉક્ટર તરીકે એક લાખ રૂપિયાનો પગાર લેતો હતો.

નવાઈની વાત એ છે કે ભાઈસાહેબ, રોજના પચીસ દરદીઓ પણ તપાસતા હતા. જોકે તેમની સારવાર લેતા દરદીઓની તબિયત વધુ બગડવા લાગતાં દરદીઓની ફરિયાદને કારણે પકડાઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે માનસિંહે આ પહેલાં આગરામાં નવ વર્ષ સુધી પ્રાઇવેટ ક્લિનિક પણ ચલાવ્યું હતું. તેનો દાવો છે કે અત્યાર સુધીમાં તેણે ૯૨,૦૦૦ દરદીઓ તપાસ્યા છે. પાંચ વર્ષ પહેલાં મથુરા જતી વખતે ટ્રેનમાં મનોજ કુમાર નામની એક વ્ય‌ક્તિની ડૉક્ટરની ડિગ્રીનું સર્ટિફિકેટ પડેલું મળ્યું હતું.

આ સર્ટિફિકેટમાં તેણે પોતાનું નામ છપાવી દીધું હતું. મોટા ભાગે તે સારવાર માટે આવતા દરદીઓને ઘરેલુ ઉપચાર કરવાનું જ કહેતો અને જો ગોળી આપવી જ પડે તો પેરાસિટામૉલની ગોળીઓ જ આપતો હતો. જોકે જૂન મહિનામાં હૃદયની મહિલા દરદીની તબિયત વધુ લથડી જતાં ફરિયાદ થઈ અને તપાસમાં મામલો બહાર આવ્યો.

આ પણ વાંચો : હદ છે! ડાબો હાથ ભાંગ્યો અને ડૉક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી નાખ્યું

કહાણીમાં ટ્વિસ્ટ એ છે કે જે મનોજ કુમારની ડિગ્રી ચોરાયેલી એ હરિયાણામાં રહે છે. મનોજ અને તેની પત્ની બન્ને ડૉક્ટર છે. તેમને જ્યારે ખબર પડી કે પોતાની ડિગ્રીનો મિસયુઝ થયો છે ત્યારે તેઓ સીકર આવ્યા હતા. મનોજના કહેવા મુજબ તેમની બૅગ ૨૦૦૫માં ચોરાઈ હતી જેમાં આ સર્ટિફિકેટ હતું. એની તેણે ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે માનસિંહને આ સર્ટિફિકેટ પાંચ વર્ષ પહેલાં ટ્રેનમાંથી કેવી રીતે મળ્યું એ હવે શોધવાનું છે.

rajasthan offbeat news hatke news