સંતાનોથી કંટાળી ગયેલા પેરન્ટ્સે દીકરાઓને નોંધારા છોડી દીધા

01 October, 2019 04:31 PM IST  |  મુંબઈ ડેસ્ક

સંતાનોથી કંટાળી ગયેલા પેરન્ટ્સે દીકરાઓને નોંધારા છોડી દીધા

૨૦ વર્ષની બોઝેના સિનિચ્કા અને ૨૫ વર્ષનો વોલોદિમિર ઝેત્સવ

બાળકોને ઉછેરવાનું કામ જરાય સહેલું નથી. ક્યારેક તેમની બાળસહજ મસ્તી પણ પેરન્ટ્સને બહુ થકવી દેતી હોય છે. જોકે એનો મતલબ એ તો ન જ હોય કે પેરન્ટ્સ તેને એમ જ તરછોડી દઈ શકે. યુક્રેનમાં એક અજીબ કિસ્સો બહાર આવ્યો છે. ૩ વર્ષના ઍન્ડ્રી અને બે વર્ષના મૅક્સિમને તેના પેરન્ટ્સ એક રોડની કિનારીએ છોડી ગયા. છોકરાઓના તોફાનથી કંટાળીને બ્રેક લેવા માટે તેમણે બન્ને બાળકોને એક એવા રોડની કિનારીએ મૂકી દીધા જ્યાંથી થોડેક અંતરે હોમલેસ લોકો ઝૂંપડાં બાંધીને રહેતા હતા. છોડતી વખતે તેમણે સંતાનોને કહેલું કે તેઓ તેમના માટે મસ્ત ચીજો ખરીદવા માટે જાય છે. ઝૂંપડાંમાં રહેતા લોકોની પાસે થોડીક મિનિટો વેઇટ કરવાનું કહીને પેરન્ટ્સ જતા રહે છે અને પછી પાછા આવતા જ નથી. એક વીક સુધી બાળકો આ હોમલેસ પરિવાર સાથે ઝૂંપડાંમાં રહ્યાં. આખરે આ બાળકોના પેરન્ટ્સની ભાળ મેળવવા માટે પોલીસને ખબર કરવામાં આવી. ઝૂંપડામાં રહેતી એક વ્યક્તિએ પોલીસને આપેલા નિવેદન મુજબ પેલું કપલ જ્યારે આ બાળકોને અહીં મૂકી ગયું ત્યારે બન્નેના શરીર પર એક કપડું કે પગમાં જૂતાં સુધ્ધાં નહોતાં. એક વીક સુધી પેલું યુગલ બાળકોને લેવા ન આવ્યું ત્યારે પોલીસને ખબર કરવામાં આવી અને બાળકોની કસ્ટડી પોલીસને સોંપાઈ. બાળકો માંદા પડી ગયા હોવાથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જોકે એ દરમ્યાન પોલીસે તેના પેરન્ટ્સને ખોળી કાઢ્યા. ૨૦ વર્ષની બોઝેના સિનિચ્કા અને ૨૫ વર્ષનો વોલોદિમિર ઝેત્સવ તેના પેરન્ટ્સ હતા. જ્યારે પોલીસે તેમને આ બાળકોને તરછોડવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જે કહ્યું એ હચમચાવી દેનારું હતું. બોઝેનાનું કહેવું હતું કે તેઓ પોતે ખૂબ સ્ટ્રગલ કરીને જીવન જીવી રહ્યા છે ત્યારે આ બે બાળકોની જવાબદારીમાંથી તેમને થોડોક બ્રેક જોઈતો હતો એટલે તેને થોડાક સમય માટે હોમલેસ કૅમ્પમાં મૂકી આવ્યા હતા.

offbeat news