આ ભાઈએ ૫૪ વર્ષથી વાળ કાપ્યા જ નથી, થઈ ગયા છે ૫.૫ મીટરથી લાંબા

03 April, 2019 11:47 AM IST  |  ચીન

આ ભાઈએ ૫૪ વર્ષથી વાળ કાપ્યા જ નથી, થઈ ગયા છે ૫.૫ મીટરથી લાંબા

આ ભાઈએ ૫૪ વર્ષથી વાળ કાપ્યા જ નથી

ચીનના સિચુઆન પ્રાંતના લેશાન શહેરમાં એક સૅલોંની એક ઘટનાનો વિડિયો યુટ્યુબ પર અપલોડ થયો છે એમાં એક અજીબોગરીબ અને ચોંકાવનારી બાબત જાહેર થઈ છે. ૭૭ વર્ષના યીઝેન્ગ નામના એક ભાઈના માથે તેમના જ વાળની પાઘડી બાંધેલી છે જે છોડતાં ૫.૫ મીટર લાંબી દોરીઓ બને છે. ભાઈનો દાવો છે કે તેમણે ૫૪ વર્ષથી વાળ કાપ્યા જ નથી. યીઝેન્ગ જ્યારે ૨૩ વર્ષનો હતો ત્યારે તેને કોઈકે કહેલું કે માથાના વાળ વધારવાથી તેનું અને તેના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ વાતને તેણે બહુ સિરિયસલી લઈ લીધી અને વાળને કાતર લગાવવાનું જ બંધ કરી દીધું.

શરૂઆતમાં તો તે પોતાના લાંબા વાળને મેઇન્ટેઇન કરવા માટે પણ ખાસ જહેમત ઉઠાવતો. દર દસ દિવસે વાળ ધોવાના, કોરા કરવાના અને કાંસકો ફેરવીને છૂટા કર્યા પછી માથે પાઘડી બાંધવાની. તે ૩૪ વર્ષનો હતો ત્યારે તેના એ સુંદર વાળ કાપવા બદલ કોઈકે તેને ૩૮૦૦ યુઆન એટલે કે ૩૮,૦૦૦ રૂપિયા આપવાની ઑફર કરેલી, પણ તેને હતું કે જો તે વાળ કાપશે તો તેના પરિવારનું સ્વાસ્થ્ય જોખમાશે એટલે તેણે ના પાડી દીધી. જેમ-જેમ વાળ લાંબા થતા ગયા એમ એનું મેઇન્ટેનન્સ અઘરું થતું ગયું અને તેણે વાળ ધોવાનું અને માથેથી પાઘડી ખોલવાનું જ બંધ કરી દીધું. છેલ્લા થોડાક વખતથી તેની પૌત્રીઓએ પાછળ પડીને તેમને વાળ ધોવાનું સમજાવ્યું. ક્યારેક પૌત્ર-પૌત્રીઓ ઘરે જ તેમના વાળ ધોઈ આપતાં.

આ પણ વાંચો : કેલિફોર્નિયાઃખરીદો પહાડની કિનારીએ લટકતું ઘર, કિંમત છે માત્ર આટલી!

તાજેતરમાં વાળ ધોવા માટે એક સ્થાનિક સૅલોંમાં દાદાને લઈ જવામાં આવ્યા. વાળ ખોલતા, ધોતા અને ડ્રાય કરતા લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો. પૌત્રીએ આ ઘટનાના અંશોનો વિડિયો એડિટ કરીને યુટ્યુબ પર મૂક્યો છે જે જોતજોતામાં જબરો વાઇરલ થઈ ગયો છે. ચાઇનીઝ સોશ્યલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ ભાઈએ તો ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ માટે અપ્લાય કરવું જોઈએ. તેના પરિવારજનોએ ઑલરેડી એ માટેની અરજી કરી દીધી છે.

offbeat news china hatke news