25 લીટર દૂધ ઝાપટતો 14 કરોડના આ પાડાને જોવા પુષ્કરમાં લાગી ભીડ

06 November, 2019 08:43 AM IST  |  Rajasthan

25 લીટર દૂધ ઝાપટતો 14 કરોડના આ પાડાને જોવા પુષ્કરમાં લાગી ભીડ

ભીમ પાડો

રાજસ્થાનના પુષ્કરમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ પશુ મેળામાં વિભિન્ન પ્રજાતિના લગભગ પાંચ હજારથી વધુ પ્રાણીઓ દૂરદૂરથી આવ્યા છે. એમાં મુર્રા પ્રજાતિનો એક પાડો સૌના આકર્ષણનું કેન્દ્ર છે. ભીમ નામનો આ પાડો જોધપુરનો છે અને જબરો મોંઘો હોવા ઉપરાંત એના ઠાઠ પણ એકદમ રાજાશાહી છે. સાડા છ વર્ષના ભીમનું વજન છે ૧૩૦૦ કિલો અને તેનો માલિક જવાહર લાલ જાંગીડ દીકરા અરવિંદ અને બીજા સહયોગીઓની મદદથી જોધપુરથી આ પાડાને ખાસ પ્રદર્શિત કરવા માટે જ લાવ્યો છે. આ પાડો તેને વેચવો જ નથી, પરંતુ મુર્રા પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃતિ આવે એ હેતુથી તે ભીમને અહીં લઈ આવ્યો છે. ભીમકાય ભીમને પાળવા-પોષવાનું પણ ખૂબ મોંઘુંદાટ છે. મહિને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ એના રખવાળી અને લાલનપાલનમાં જ થાય છે. તેને રોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, બસ્સો ગ્રામ મધ, પચીસ લીટર દૂર, એક કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે.

આ પણ વાંચો : બોલો, આ સરકારી ઑફિસમાં લોકો હેલમેટ પહેરીને કામ કરે છે

ગયા વર્ષે પણ ભીમને આ મેળામાં લાવવામાં આવ્યો હતો. એ વખતે તેનું વજન ૧૨૦૦ કિલો હતું અને એની અંદાજિત કિંમત ૧૨ કરોડ રૂપિયા હતી. આ વર્ષે ખરીદદારો આ પાડાના ૧૪ કરોડ રૂપિયા આપવા તૈયાર છે, પણ માલિક વેચવા તૈયાર નથી. ભીમભાઈ અનેક પશુપ્રતિયોગિતાઓમાં ભાગ લઈને સારોએવો પુરસ્કાર માલિકને જીતી આપે છે એટલું જ નહીં, મેળામાં એને જોઈને ઘણા લોકો એનું વીર્ય ખરીદવા માટે પણ ખાસ્સી એવી રકમ આપે છે.

rajasthan offbeat news hatke news