25 માળ ઊંચે બાંધેલા લાંબા દોરડા પર રોપવૉક કર્યું ભાઈ-બહેને

25 June, 2019 09:11 AM IST  |  અમેરિકા

25 માળ ઊંચે બાંધેલા લાંબા દોરડા પર રોપવૉક કર્યું ભાઈ-બહેને

25 માળ ઊંચે બાંધેલા લાંબા દોરડા પર રોપવૉક કર્યું ભાઈ-બહેને

સેંકડો ફુટ ઊંચાઈએ હાઈવાયર પર ચાલવું એ અમેરિકન ઍક્રોબેટ નિક વૅલેન્ડા માટે જાણે હવે ચુટકી બજાવવા જેટલું આસાન થઈ ગયું છે. નિકે આ પહેલાં બ્લાઇન્ડફૉલ્ડ રોપવૉક તેમ જ નાયગરા ધોધ પર દોરડું બાંધીને એને પાર કરવા જેવાં કારનામાં પણ કર્યાં છે. જોકે ૨૦૧૭માં તેની બહેન લિજાના વૅલેન્ડા સ્ટન્ટ કરતી વખતે નીચે પછડાઈ હતી અને તેના ચહેરા અને શરીરનાં ઘણાં હાડકાં તૂટ્યાં હતાં.

લિજાના માટે એ હાદસાને ભૂલીને ફરીથી રોપવૉક પર ચડવું એ જાણે જાત સામે જ જીત મેળવવા જેવું હતું. બહેનને મદદ કરવા માટે તેનો જાંબાઝ ભાઈ નિક તૈયાર થઈ ગયો અને તેણે ન્યુ યૉર્કના ટાઇમ સ્ક્વેર પર પચીસ માળના બિલ્ડિંગની ટેરેસ પર દોરડાં બાંધીને એક રોપ-ટ્રૅક તૈયાર કર્યો. બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર ૧૩૦૦ ફુટ જેટલું હતું. આ સ્ટન્ટમાં નિક અને લિજાના બન્નેએ એક જ દોરડા પર આમનેસામને ચાલવાનું નક્કી કરેલું.

લિજાના હજી તૈયાર ન હોવાથી તેણે સેફ્ટી હાર્નેસ પહેરવાનો આગ્રહ રાખેલો. બાકી નિકે આ પહેલાંના આનાથી અનેકગણા કપરા સ્ટન્ટ્સમાં પણ સેફ્ટી હાર્નેસ કે સેફ્ટી નેટનો ઉપયોગ કર્યો નહોતો. બહેનની ઇચ્છાને માન આપીને આ વખતે નિકે પણ સેફ્ટી હાર્નેસ બાંધ્યું હતું. બન્નેએ સામસામા છેડેથી હાઈવાયર વૉકિંગ શરૂ કર્યું હતું. જેવા બન્ને દોરડા પર આમનેસામને આવી ગયાં એટલે લિજાના એક પગ વાળીને દોરડા પર બેસી ગઈ અને નિકે બહેનને ઓળંગી જવાય એવડું મોટું ડગલું માંડીને દોરડું ક્રૉસ કરી લીધું.

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે ચાલુ વૉશિંગ મશીનમાં ફસાયેલી આ બિલાડી

એ પછી લિજાના પણ દોરડા પર ફરી ઊભી થઈ ગઈ અને બાકીનું અડધું અંતર તેણે પણ પાર કર્યું. આ આખો સ્ટન્ટ ટીવી-ચૅનલ પર લાઇવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. નિકે ૨૬ મિનિટમાં અને લિજાનાએ ૩૬ મિનિટમાં આખો સ્ટન્ટ પાર કર્યો હતો. ટાઇમ સ્ક્વેર પર હજારોની મેદનીએ આ દિલધડક કરતબ માણ્યું હતું.

offbeat news hatke news