રોજ આ કપડાના શોરૂમમાં આવીને બેસે છે ગાય, જાણો શું છે મામલો

13 November, 2019 09:52 AM IST  |  Andhra Pradesh

રોજ આ કપડાના શોરૂમમાં આવીને બેસે છે ગાય, જાણો શું છે મામલો

કપડાના શોરૂમમાં આવીને બેસે છે ગાય

આંધ્ર પ્રદેશના મૈદુકુર કસબામાં એક કપડાના શોરૂમમાં છેલ્લા છ મહિનાથી રોજ એક ગાય આવે છે. દુકાનની અંદર આવીને તે રોજ બેથી ત્રણ કલાક આરામ ફરમાવે છે અને પછી આપમેળે જતી રહે છે. શોરૂમમાં ગાયની મહેમાનગતિ પણ સરસ કરવામાં આવે છે. તેના માટે બેસવાની જગ્યાએ કપડું બિછાવી રાખવામાં આવે છે અને ગરમી ન લાગે એ માટે તેની તરફ હવા ફેંકતો પંખો લગાવ્યો છે. દુકાનના માલિકનું કહેવું છે કે ઉનાળાના દિવસો ચાલી રહ્યા હતા અને બહાર અસહ્ય ગરમી હતી ત્યારે આ ગાય અચાનક દુકાનમાં ઘૂસી ગયેલી અને પંખાની નીચે બેસી ગઈ. પહેલાં તો દુકાનના કર્મચારીઓ પણ એ જોઈને હેરાન થઈ ગયેલા અને તેને હાંકી કાઢવાની કોશિશ પણ કરી. જોકે ગાયમાતા ટસનાં મસ ન થયાં. થોડાક કલાક આરામ કરીને ગાય પોતે ઊઠીને જતી રહી. એ દિવસ પછી તો લગભગ રોજનો શિરસ્તો થઈ ગયો. બપોરના સમયે ગરમીમાં આરામ કરવા માટે ગાય અંદર આવીને બેસી જાય છે. દુકાનદારનું કહેવું છે કે રોજ ગાય શૉપમાં ઘૂસી જાય છે પણ કદી તેણે અંદર કોઈ પ્રકારની ગંદકી નથી કરી.

આ પણ વાંચો : ન્યુ યૉર્કનું કાફે સર્વ કરે છે મૅટ બ્લૅક કૉફી વિથ બ્લૅક વ્હીપ્ડ ક્રીમ

પહેલાં એવું લાગતું હતું કે ગાયને અંદર બેઠેલી જોઈને ગ્રાહકો ભાગી જશે, પણ એનાથી ઉલટું થયું. ગાયના આગમન પછી અમારા ઓવરઑલ વેચાણમાં વધારો થયો છે. છ મહિનામાં કદીયે ગાયે છાણ-મૂત્રથી ગંદકી નથી ફેલાવી. હવે તો દુકાનદારની પત્ની રોજ તેની પૂજા પણ કરે છે.

andhra pradesh offbeat news hatke news