અલેપ્પોનો કૅટમૅન: આ ભાઈએ બિલાડીઓનું અભયારણ્ય બનાવ્યું

08 August, 2019 10:17 AM IST  |  સીરિયા

અલેપ્પોનો કૅટમૅન: આ ભાઈએ બિલાડીઓનું અભયારણ્ય બનાવ્યું

અલેપ્પોનો કૅટમૅન

સીરિયાના અલેપ્પો શહેરમાં યુદ્ધ જેવી સ્થિતિ ફાટી નીકળતા મોટા ભાગના લોકો જીવ બચાવવા માટે ત્યાંથી પલાયન કરી ગયા. જોકે એને કારણે લોકોએ પાળેલાં પ્રાણીઓની હાલત બહુ કથળી ગઈ. ખાસ કરીને અલેપ્પોમાં બિલાડી પાળવાનું ચલણ ઘણું વધારે હતું. લોકો ભાગી ગયા અને ઘરો ધ્વસ્ત થતા ગયા એમ રઝળતી બિલાડીઓની સંખ્યા વધી ગઈ.

આ બિલાડીઓના તારણહાર તરીકે ૨૦૧૬માં ૪૪ વર્ષના મોહમમ્મદ અલા અલ-જલીલ નામના ભાઈએ સૅન્ક્ચુઅરી ખોલેલી. અહીં લગભગ ૨૦૦ જેટલી બિલાડીઓ રહેતી હતી. પહેલાં ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર રહી ચૂકેલો જલીલ બાળપણથી જ બિલાડીઓ માટે અતિશય પ્રેમ ધરાવે છે. તે નાનો હતો ત્યારથી જ લોકો પાસેથી ખાવાનું માગી લાવીને બિલાડીઓને ખવડાવતો. ઇલેક્ટ્રિશ્યન તરીકે કામ કરીને રોજી રળતો થયો એ પછી યુદ્ધ ફાટી નીકળ્યું.

એ વખતે તેણે લોકોને મદદ કરવા માટે ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરનું કામ શરૂ કર્યું. યુદ્ધ દરમ્યાન તેના શેલ્ટરમાં રહેતી મોટા ભાગની બિલાડીઓ મૃત્યુ પામી હતી. જોકે હવે અલેપ્પો શહેરની ભાગોળે કફ્ર નહા નામનું ગામ આવેલું છે ત્યાં જલીલે બિલાડીઓ માટેનું નવું અભયારણ્ય તૈયાર કર્યું છે. ત્યાં તે ઘાયલ બિલાડીઓની સારવાર પણ કરાવે છે અને રોજ તેમને જમવાનું પૂરું પાડે છે.

આ પણ વાંચો : કૅનેડાના ડૉક્ટરો દર્દીઓને સંગ્રહાલયોમાં ફેરવીને સાજા કરે છે

ગોખલા જેવી જગ્યાઓ દરેક બિલાડીના રહેવા માટે છે અને બાકી આખો દિવસ બિલ્લીઓ ગામમાં ફરે છે. તેણે શરૂ કરેલા આ કામ માટે જલીલને અલેપ્પોનો કૅટમૅન કહેવામાં આવે છે.

syria offbeat news ghatkopar