આ ભાઈ સિંહના પગે મસાજ કરે છે, જિરાફને ચુમ્મી આપે છે

22 March, 2019 09:34 AM IST  |  સાઉથ આફ્રિકા

આ ભાઈ સિંહના પગે મસાજ કરે છે, જિરાફને ચુમ્મી આપે છે

આ ભાઈનો પ્રાણી પ્રત્યે પ્રેમ

સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં આવેલા ધ લાયન પાર્કના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ શૅન્ડોર લૅરેન્ટી નામના ભાઈ જંગલી પ્રાણીઓ સાથે એટલી સહજતાથી દોસ્તની જેમ સમય ગાળે છે જે એ જોઈને રૂંવાડાં ખડાં થઈ જાય. જે પ્રાણીઓ નજીક આવે તોય ભયનું લખલખું શરીરમાંથી પસાર થઈ જાય એવાં જંગલી પ્રાણીઓ સિંહ, જિરાફ, દીપડા, ચિત્તા, હાયનાના પર્સનલ કૅરટેકરની જેમ શૅન્ડોર રહે છે. આ કામ શૅન્ડોરને તેના પિતા પાસેથી વારસામાં મળ્યું છે.

તેના પિતા ઍલેક્સ પણ જંગલી પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતા હતા. એ જોઈને જ શૅન્ડોરને પણ બાળપણથી જ વાઇલ્ડ ઍનિમલ્સ માટે આકર્ષણ હતું. જ્યારે શૅન્ડોર જંગલી પ્રાણી સાથે રિલૅક્સ મૂડમાં હોય એ વખતની તસવીરો અદ્ભુત છે. શૅન્ડોરનું કહેવું છે કે ‘આ મારી ડ્રીમ જૉબ છે. જોકે આ જૉબ સરળ નથી. અહીં તમે માત્ર આઠ જ કલાક કામ કરો તો ચાલે એવું નથી. આખો દિવસ તમારે આ પ્રાણીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખડેપગે રહેવું પડે છે. સહેજ માંદગીનાં લક્ષણો પણ પ્રાણીને ઇરિટેટ કરી શકે છે. એમના વર્તન પરથી સતત એમને ચકાસતા રહેવું પડે છે.’

માત્ર ૨૪ વર્ષનો શૅન્ડોર તેનાં મનગમતાં પ્રાણીઓના પ્રેમમાં એટલો વ્યસ્ત છે કે તેને હજી કોઈ છોકરી સાથે પ્રેમમાં પડવાનો સમય મળ્યો નથી.

offbeat news hatke news