બે ભાઈઓએ ઘરમાં પાળ્યો છે સિંહ, કારમાં બેસાડીને ફરવા પણ જાય છે

30 March, 2019 11:41 AM IST  |  પાકિસ્તાન

બે ભાઈઓએ ઘરમાં પાળ્યો છે સિંહ, કારમાં બેસાડીને ફરવા પણ જાય છે

સિંહ સાથે દોસ્તી

પાકિસ્તાનના કરાચીમાં રહેતા હમઝાહ અને હસન હુસૈન નામના બે ભાઈઓએ ઘરમાં એક સિંહ પાળ્યો છે. ભાઈઓનું કહેવું છે કે આ સિંહ તેમના ફાર્મમાં જન્મ્યો હતો અને એને જન્મ આપીને સિંહણ એને એમ જ મૂકીને ચાલી ગયેલી. જસ્ટ બે અઠવાડિયાંનું બચ્ચું હતું ત્યારથી સિંહ આ ભાઈઓની સાથે ઊછરી રહ્યો છે. ભાઈઓએ એનું નામ પાડ્યું છે સિમ્બા. હાલમાં સવાબે વર્ષનો આ આફ્રિકન લાયન ઘરમાં છુટ્ટો ફરે છે, પણ જો બહાર પાર્કમાં ચાલવા જવાનું હોય અથવા તો ઘરમાં કોઈ મહેમાન આવે તો એના ગળે સાંકળ બાંધી દેવામાં આવે છે.

ઘરમાં નિયમિત અવરજવર કરતા લોકો અને મિત્રોને સિમ્બા ઓળખે છે એટલે તેમને જોઈને એ શાંત ફર્યા કરે છે, પરંતુ જો કોઈ નવી વ્યક્તિ આસપાસમાં હોય તો એ તેની આજુબાજુમાં અચૂક ચક્કર લગાવે છે અને એ વખતે પેલી વ્યક્તિએ ચૂપચાપ સ્થિર ઊભા રહેવાનું. જો સિમ્બાની સામે કોઈ ચિલ્લાય કે બૂમો પાડે તો કદાચ એ બટકું ભરવા દોડી શકે છે.

આ પણ વાંચો : રોજનાં 6 એનર્જી ડ્રિન્ક્સ પીનારા ભાઈની જીભ ઓગળવા લાગી

સિંહને તૈયાર માંસ ખાવા માટે આપવામાં આવે છે. લગભગ રોજનું પાંચ કિલો માંસ ભાઈસાહેબ આરોગી જાય છે. બે ભાઈઓની સાથે ચાલવા જવાનું, ઘરની બહાર પગથિયે બેસવાનું અને કારમાં ફરવાનું સિમ્બાને બહુ જ ગમે છે. હવે સિમ્બા પુખ્ત થઈ રહ્યો છે એટલે હસને એના માટે સિંહણની શોધ કરવાનું શરૂ કર્યું છે.

pakistan karachi offbeat news hatke news