ઇન્દોરનો આ રાહુલ ગાંધી પોતાનું નામ બદલવાનું વિચારી રહ્યો છે

31 July, 2019 08:55 AM IST  |  ઈન્દોર

ઇન્દોરનો આ રાહુલ ગાંધી પોતાનું નામ બદલવાનું વિચારી રહ્યો છે

રાહુલ ગાંધી

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રહેતો બાવીસ વર્ષનો રાહુલ ગાંધી પોતાના નામની સાથે કંઈક ઉપનામ જોડવાનું અથવા તો નામ બદલવાનું વિચારી રહ્યો છે. એનું કારણ એ છે કે લોકો તેનું નામ સાંભળીને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે સરખાવે છે. અખંડનગર વિસ્તારમાં રહેતો રાહુલ કહે છે કે, ‘તેની પાસે પોતાના ઓળખપત્ર તરીકે માત્ર આધારકાર્ડ છે. હું જ્યારે પણ એનાથી મોબાઇલનું સિમકાર્ડ કે અન્ય કોઈ પણ દસ્તાવેજી પ્રક્રિયા માટે આ કાર્ડ રજૂ કરું છું ત્યારે આ નામને કારણે લોકો મને શંકાની નજરે જુએ છે અને લોકોને લાગે છે કે મેં નકલી નામ રાખ્યું છે.

આ પણ વાંચો : કરડે એવી ભાજી ખાવાની સ્પર્ધામાં 72 વર્ષના દાદા 58 ફુટ ભાજી ઝાપટી ગયા

જ્યારે કોઈ અજાણી વ્યક્તિને ફોન પર મારું નામ કહું છું તો એ લોકો કાં તો મજાક ઉડાવે છે કાં પછી ગુસ્સે થઈને ફોન કાપી નાખે છે. તેમનું કહેવું હોય છે કે રાહુલ ગાંધી ક્યારથી ઇન્દોરમાં રહેવા લાગ્યો? મને નકલી કૉલર સમજીને લોકો મને ગણકારતા નથી.’

રાહુલના પિતા રાજેશ માલવીય સીમા સુરક્ષા દળમાં વૉશરમૅનનું કામ કરતા હતા અને તેમના અધિકારીઓ તેમને ગાંધી કહીને બોલાવતા હતા. તેના પિતાને ગાંધી ઉપનામથી લગાવ થઈ જતાં તેણે એને અટક તરીકે અપનાવી લીધી. જોકે હવે તેને આ જ નામને કારણે દરેક જગ્યાએ પ્રોબ્લેમ થાય છે અને હવે તે પોતાનું ઉપનામ ગાંધી કાઢીને માલવીય કરવાનું ફરીથી વિચારી રહ્યો છે.

indore offbeat news hatke news