આ ભાઈનો દાવો છે કે તેમની વાછૂટથી મચ્છર મરી જાય છે

14 December, 2019 09:30 AM IST  |  Uganda

આ ભાઈનો દાવો છે કે તેમની વાછૂટથી મચ્છર મરી જાય છે

રવામિરામા ભાઈ

દરેક વ્યક્તિની વાછૂટમાં ટિપિકલ સ્મેલ હોય છે. એમાંય જ્યારે કંઈક આડુંઅવળું ખાધું હોય ત્યારે તો એની અસર ખરેખર ગૂંગળાવનારી પણ બની જાય. મોટા ભાગે લોકો વાછૂટની વાતે બહુ શરમ અને સંકોચ અનુભવતા હોય, પણ યુગાન્ડાના ૪૮ વર્ષના જો રવામિરામા નામના ભાઈ આ વાતે પોતાના કૉલર ટાઇટ કરે છે. તેમનું કહેવું છે કે તેમની વાછૂટ વિશિષ્ટ છે અને એનાથી મચ્છરો ભાગી જાય છે. રવામિરામા ભાઈ આમ તો સાવ નાનકડા ગામમાં રહે છે અને તેમના ગામમાં આજ દિન સુધી કોઈને મલેરિયા નથી થયો એવો દાવો પણ તેમણે કર્યો છે. આવું થવા માટે તેમની વાછૂટને જવાબદાર ગણાવે છે કેમ કે તેમની વાછૂટથી આસપાસના ઘણા કિલોમીટરના અંતરના મચ્છર મરી જાય છે. ભાઈસાહેબનું કહેવું છે કે પોતાના ગામમાં મલેરિયાના મચ્છરો લોકોને પરેશાન નથી કરતા એનો જશ તેમના ફાળે જાય છે. આમ જુઓ તો આ વાત મનઘડંત લાગી શકે, પણ આ દાવા પરથી મચ્છર મારવાની દવા બનાવતી એક કંપનીએ તેને નોકરીએ રાખ્યો છે. કંપનીના ચીફનું પણ કહેવું છે કે ‘જો રવામિરામાને કુદરતી બક્ષિસ મળી છે. તેની આ ખાસ પ્રતિભાનો ઉપયોગ અમે મચ્છર મારવાની દવા અને સ્પ્રે બનાવવામાં કરી શકીએ છીએ.’

આ સાંભળીને તેની આજુબાજુમાં રહેતા માણસોનું શું થતું હશે એ વિચારવાનું મન થઈ જાય. જોકે ચિંતા કરવાની જરૂર નથી. તેની વાછૂટથી માણસોને કંઈ તકલીફ નથી થતી. જોભાઈ કહે છે, ‘હું સામાન્ય લોકોની જેમ જ ખાઉં છું અને રોજ નહાઈધોઈને ચોખ્ખો રહું છું. બીજા લોકો જેવી જ વાછૂટ મારી હોય છે, ફરક માત્ર એટલો જ છે કે એ નાના જીવજંતુઓ અને મચ્છર માટે હાનિકારક છે. આજ દિન સુધી એક મચ્છર મારી પર આવીને બેઠો નથી.’

તેને કઈ કંપનીએ નોકરી આપી છે એનું નામ જાહેર નથી થયું.

offbeat news hatke news