આ બૉક્સર પૂરમાં તરીને સ્પર્ધામાં ભાગ લઈને જીત્યો સિલ્વર મૅડલ

14 August, 2019 09:45 AM IST  |  કર્ણાટક

આ બૉક્સર પૂરમાં તરીને સ્પર્ધામાં ભાગ લઈને જીત્યો સિલ્વર મૅડલ

બૉક્સર

કર્ણાટકના બેલગાવી જિલ્લાના મન્નૂર ગામમાં રહેતા નિશાન મનોહર કદમ નામનો બૉક્સર આજકાલ ચર્ચામાં છે. તે એક બૉક્સિંગ ઇવેન્ટમાં પહોંચવા માટે થઈને તેણે અઢી કિલોમીટર જેટલું લાંબુ અંતર પૂરના પાણીમાં તરીને કાપ્યું હતું. કર્ણાટકમાં છેલ્લા પંદર દિવસથી ખૂબ ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી ૧૨ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. સાત ઑગસ્ટે મન્નૂર ગામ પણ એ પ્રભાવિત વિસ્તારોમાંનું એક હતું. ગામ આખું પાણીથી ભરાઈ ગયેલું અને ગામને જોડતા રસ્તાઓ તૂટી ગયા હતા. રેસ્ક્યૂ ટીમ માટે પણ અહીં પહોંચવાનું અઘરું થઈ ગયું હતું. જોકે નિશાનને બેન્ગલોરમાં થનારી એક ઇવેન્ટમાં ભાગ લેવા જવાનું હતું. ૧૯ વર્ષના યુવાને પોતાની બૉક્સિંગ કિટ પ્લાસ્ટિકની બૅગમાં પૅક કરી અને તેના પપ્પાની સાથે નીકળી પડ્યો. બન્ને ૪૫ મિનિટ પાણીમાં તરીને જિલ્લા બૉક્સિંગની ટીમ જ્યાં રાહ જોઈ રહી હતી એ જગ્યાએ પહોંચ્યા. ત્યાર બાદ બેન્ગલોર પહોંચીને રવિવારે સ્ટેટ લેવલની ચૅમ્પિયનશિપમાં નિશાન મૅચ રમ્યો અને સિલ્વર મૅડલ જીત્યો હતો.

આ પણ વાંચો : દાદાના ગળામાં ફસાઈ ગયું ડૅન્ચર

નિશાન ૧૯ વર્ષનો છે અને બારમા ધોરણમાં ભણે છે. બે વર્ષ પહેલાં જ તેણે અર્જુન અવૉર્ડ વિનર કૅપ્ટન મુકુંદ કિલેકર પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું છે. નિશાન કહે છે, ‘પૂરની સ્થિતિ હોવા છતાં કોઈ પણ ભોગે ઇવેન્ટની જગ્યાએ પહોંચવા માટે મારા પિતાએ મને ખૂબ હિંમત આપી હતી. જોકે હું ગોલ્ડ મૅડલ ન જીતી શક્યો. આવતા વર્ષે જરૂર ગોલ્ડ જીતવાનો પ્રયત્ન કરીશ.’

karnataka offbeat news hatke news