જૅપનીઝ કલાકારે જૂનાં છાપાંમાંથી બનાવ્યાં મિનિએચર યુદ્ધજહાજ

28 December, 2019 09:55 AM IST  |  Japan

જૅપનીઝ કલાકારે જૂનાં છાપાંમાંથી બનાવ્યાં મિનિએચર યુદ્ધજહાજ

જૂનાં છાપાંમાંથી બનાવ્યાં મિનિએચર યુદ્ધજહાજ

છાપાંની પસ્તીનો કેટલાક લોકો મસ્ત સદુપયોગ કરતા હોય છે. જપાની આર્ટિસ્ટ અત્સુશી અડાચીએ જૂનાં ન્યુઝ પેપર્સમાંથી પોતાની ક્રીએટિવિટીને ઓપ આપ્યો છે. આ કલાકારે છાપાંમાંથી ખૂબ બારીકી કામ માગી લે એવાં યુદ્ધનાં જહાજની સિરીઝ તૈયાર કરી છે. આ જહાજનાં મૉડલ ન્યુ યૉર્કમાં એક પ્રદર્શનીમાં જોવા માટે મુકાવાનાં છે. આ સિરીઝમાં નાનાંથી લઈને વિશાળકાય કહી શકાય એવાં જહાજો શામેલ છે. ત્રીજીથી સાતમી ડિસેમ્બર દરમ્યાન આ એક્ઝિબિશન ખુલ્લું રહેશે. 

આ પહેલાં અત્સુશી અડાચીએ કાગળમાંથી મોટી મશીનો, હથિયારો અને અવકાશમાં વપરાતા ઉપકરણોની રેપ્લિકા તૈયાર કરી હતી. તેમણે તો સૌપ્રથમ વાર અવકાશમાં જનારા નીલ આર્મસ્ટ્રૉન્ગે પહેરેલા સ્પેસ સૂટ જેવો જ છાપાંનો સ્પેસ સૂટ બનાવ્યો હતો. આર્ટિસ્ટનું માનવું છે કે ‘મોટા ભાગે કોઈ મૉડલની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે લોકો કાર્ડબોર્ડ કે મૅચસ્ટિકનો ઉપયોગ કરે છે, પરંતુ એથીયે વધુ સારો ઑપ્શન ન્યુઝપેપર વાપરવાનો છે. અખબારો એક પ્રકારનાં ટાઇમ મશીન છે. કેમ કે એમાં તમને સામાજિક મૂલ્યો અને ઘટનાઓની જાણકારી મળે છે.’

આ પણ વાંચો : જર્સી પર સાપની ઇમેજને લીધે છોકરાને પ્લેનમાં પ્રવેશતો અટકાવાયો

પોતે બનાવેલા છાપાંના મૉડલ્સનું પ્રદર્શન અત્સુશી દુનિયાના વિવિધ દેશોમાં કરી ચૂક્યા છે. બાળપણમાં તેઓ સેલ્ફ ડીફેન્સ ફોર્સ અને અમેરિકન આર્મ્ડ ફોર્સ બેઝની મુલાકાતે ગયેલા જ્યાં તેમણે યુદ્ધજહાજ, લડાકુ વિમાનો જોયાં હતાં. એ દિવસો યાદ કરીને તેમણે યુદ્ધમાં વપરાતા જહાજ અને વિમાનના થ્રી-ડી મૉડલ બનાવ્યાં છે.

japan offbeat news hatke news