બ્રાઝિલમાં ફેલાયો છે બધી વાનગીઓને વાદળી રંગની બનાવવાનો ક્રેઝ

22 December, 2019 09:37 AM IST  |  Brazil

બ્રાઝિલમાં ફેલાયો છે બધી વાનગીઓને વાદળી રંગની બનાવવાનો ક્રેઝ

વાદળી રંગની વાનગીઓ

દ્રાક્ષ કે બોર જેવા દેખાવનું ગેનીપાપો ફળ દક્ષિણ અને મધ્ય અમેરિકાના દેશોમાં અવારનવાર ખાવા ઉપરાંત શરબત અને શરાબ (લિકર) બનાવવા માટે વપરાતું રહ્યું છે. જોકે કેટલાક વખતથી અમુક વાનગીઓને ભૂરા રંગની બનાવવા માટે એ કાચા ગેનીપાપોનો ઉપયોગ શરૂ થયો છે. ગેનીપા વૃક્ષ પર ઊગતી ગેનીપાપો બેરીઝ બ્રાઝિલ તથા આસપાસના દેશોનું લોકપ્રિય ફળ છે.

દક્ષિણ અમેરિકાનાં રાષ્ટ્રો પર બ્રિટન તથા યુરોપના અન્ય દેશોનું શાસન હતું ત્યારથી એટલે કે કેટલાક સૈકાથી કાચા ગેનીપાપોમાં ખોરાકમાં રંગ ઉમેરવાની ક્ષમતા જાણીતી છે. સ્થાનિક તુપીનામ્બાઝ અને પટાક્સોઝ જાતિઓમાં છૂંદણાં-ટૅટૂ બનાવવાના રંગ તરીકે કાચા ગેનીપાપોનો રસ વપરાતો હતો એ જાણીને યુરોપના લોકોએ ખોરાકને રંગીન બનાવવાનું શરૂ કરેલું.

જોકે કાચા ગેનીપાપોમાં ખાદ્ય પદાર્થોને ભૂરા રંગના કરવાની ક્ષમતા હોવાનું પ્રોફેસર અને બાયોલૉજિસ્ટ વાલ્ડલી કિનુપે તેમના પુસ્તક ‘અનકન્વેન્શનલ ફૂડ પ્લાન્ટ્સ ઇન બ્રાઝિલ’માં લખ્યું ત્યાર પછી એટલે કે ૨૦૧૪ની આસપાસ આ ફળનો ઉપયોગ વ્યાપક થયો હતો. એ બુકમાં ગેનીપાપો બેરીઝમાંથી ખાઈ શકાય એવાં બ્લુ પિગમેન્ટ્સ મેળવવાની રીત વર્ણવવામાં આવી છે.

એ માહિતીની વિશેષતા એવી છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં નૅચરલ બ્લુ પિગમેન્ટ્સ ભાગ્યે જ મળે છે. એથી આ શોધને કારણે બ્રાઝિલમાં રીતસર બ્લુ ફૂડ ક્રેઝ ફેલાયો છે. ગેનીપાપોને ફૅશનેબલ સ્ટેટસ મળ્યું છે. હવે બ્રાઝિલમાં બ્લુ બ્રેડ, બ્લુ મિલ્ક, બ્લુ પુડિંગ અને બીજી ઘણી બ્લુ ડિશિઝ દરેક ઘરના ડાઇનિંગ ટેબલ્સ પર પીરસાતી થઈ છે.

offbeat news hatke news brazil