પપ્પાએ નાછૂટકે મોઘી કાર ખરીદવી પડે એટલે દીકરાએ કર્યું આવું કામ

08 December, 2019 10:44 AM IST  |  China

પપ્પાએ નાછૂટકે મોઘી કાર ખરીદવી પડે એટલે દીકરાએ કર્યું આવું કામ

મોંઘીદાટ કાર

બાવીસ વર્ષના જી મોબિંગ નામના યુવકને ચીનની જિયાંક્સી શહેરના કારના શોરૂમમાં નવીનક્કોર કારને લિસોટા પાડીને બગાડવાના ગુનાસર પોલીસ પકડી ગઈ હતી. વાત એમ હતી કે ભાઈસાહેબને હજી થોડા સમય પહેલાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું હતું. એ પછી ૨૫ નવેમ્બરે બીએમડબ્લ્યુ કારના ડીલરની દુકાને જઈને તેણે ડાર્ક બ્લુ સેડાન કાર ખરીદવામાં રસ દાખવ્યો. એ વખતે ભાઈસાહેબ બહુ ખુશખુશાલ હોય એવું લાગતું હતું, પરંતુ એ થનગનાટ છુપાવતો હતો. તેણે શો રૂમના એક સ્ટાફને કહ્યું હતું કે ‘મને ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા પછી મારા પપ્પાએ મને મસ્ત કાર ખરીદી આપવાનું વચન આપ્યું છે.’ જોકે જી મોબિંગે પપ્પાને ફોન કરીને પોતાને કઈ કાર જોઈએ છે એ જણાવ્યું પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ફોન પર વાતચીતમાં તેને પપ્પાએ શું કહ્યું એની કોઈને ખબર નથી, પરંતુ પપ્પા સાથે ફોન પર વાત કર્યા પછી જી મોબિંગ ગુસ્સામાં હતો. તેણે કારની ચાવી લીધી અને એને ગમતી સેડાન કાર પર મોટો લિસોટો માર્યો, કારનો રંગ ખોતરી નાખ્યો. કોઈને રોકવાનો મોકો મળે એ પહેલાં મોબિંગે ગુસ્તાખી કરી નાખી હતી. કાર શોરૂમના સેલ્સમૅને તરત પોલીસને ફોન કર્યો. જી મોબિંગે પોલીસને કહ્યું કે મારા પપ્પાને આ કાર ખરીદવાની ફરજ પડે એ માટે મેં કારનો રંગ ખોતરીને સિસોટો પાડ્યો છે.

આ પણ વાંચો : ડેટાની ચોરી રોકવા માટે યુએસબી કૉન્ડોમ આવ્યા

જી મોબિંગની ધારણા ખોટી પડી, પોલીસે તેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. કેસની તપાસ ચાલે છે, પરંતુ હજી મોબિંગને સમસ્યામાંથી બહાર કાઢવા તેના પપ્પાએ કાર ખરીદીને આપી કે નહીં એ હજી જાણવા મળ્યું નથી. મોબિંગે બાલિશતામાં પપ્પા કાર ખરીદી આપશે એવી ધારણામાં આવી ગુસ્તાખી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

china offbeat news hatke news