આ બહેનની જિંદગી લાલ રંગે રંગાયેલી છે, જાણો શું છે હકીકત

20 October, 2019 10:08 AM IST  |  બોસ્નિયા

આ બહેનની જિંદગી લાલ રંગે રંગાયેલી છે, જાણો શું છે હકીકત

આ બહેનની જિંદગી લાલ રંગે રંગાયેલી છે

કોઈકને પીળો રંગ ગમે તો કોઈકને લીલો, જોકે એને કારણે વ્યક્તિ બીજા કોઈ જ રંગો ન વાપરીને માત્ર અને માત્ર મનગમતો રંગ જ વાપરે તો તેની જિંદગી કેવી થઈ જાય? બોસ્નિયાનાં ૬૭ વર્ષનાં ઝોરિકા રેબેર્નિકે તેની જિંદગીને એક જ રંગે રંગી દીધી છે. તેમને લાલ રંગ બહુ જ ગમે છે. ગમે છે એ શબ્દ નાનો પડે, તેમને લાલ રંગનો એવો ક્રેઝ છે કે પગના નખથી લઈને માથા સુધી તેમના શરીર પર લાલ રંગનાં કપડાં અને એક્સેસરીઝ ઠઠાવેલાં જોવાં મળે છે.

તેમના ઘરમાં ફર્નિચરની વાત કરો તો એ પણ રાતુંચોળ છે. આ રાતારંગનો ક્રેઝ કંઈ આજકાલનો નથી, છેલ્લાં ચાર દાયકાથી તેઓ લાલ રંગને વરેલાં છે અને તેમના ઘરમાં ચોમેર જ્યાં-જ્યાં તમારી નજર પડે, રેડ અને રેડના વિવિધ શેડ જ દેખાશે. તેણે પોતાની પસંદ પતિ ઝોરાન પર પણ થોપી દીધી છે અને દાયકાઓ સુધી સાથે રહ્યા પછી ઝોરાનને પણ લાલ રંગ કોઠે પડી ગયો છે. ઝોરિકાએ માથાના વાળ પણ રંગીને ક્રિમસન રેડ કરી લીધા છે. તે જમવા માટે પ્લેટ, ગ્લાસ જેવી ક્રૉકરી સુધ્ધાં લાલ વાપરે છે અને પથારીમાં બેડશીટ પણ. લાલરંગનું ઘેલું તેને જસ્ટ ૧૮-૧૯ વર્ષની વયે લાગ્યું હતું. તેણે લગ્ન પણ રેડ ગાઉનમાં કર્યાં હતાં. એ પછી તો તેણે પોતાનું ઘર વસાવ્યું અને સ્થિતિ એવી પેદા થઈ કે તેના ઘરમાં લાલ સિવાયનો બીજો એક રંગ સમ ખાવા પૂરતોય મળે નહીં.

આ પણ વાંચો : મગરે હાથીને મારી નાખ્યો, બાદ મગર હાથીના શરીરથી કચડાઈને મરી ગયો

હવે ઘરમાં બધું જ રતુંબડું થઈ ગયું છે ત્યારે તેણે મર્યા પછી તેની કબર પર મૂકવાનો પાળિયો પણ ખરીદી લીધો છે. ક્રિમસન રેડ શેડનો ગ્રેનાઇટ તેણે ખાસ ભારતથી ખરીદ્યો છે અને મૃત્યુ બાદ પણ લાલ રંગથી અળગાં ન થવું પડે એની વ્યવસ્થા કરી લીધી છે.

offbeat news hatke news