આર્ટના સ્ટુડન્ટે પાળેલા ઉંદરને પેઇન્ટિંગ કરતાં શીખવ્યું

18 October, 2019 10:46 AM IST  |  નોર્વે

આર્ટના સ્ટુડન્ટે પાળેલા ઉંદરને પેઇન્ટિંગ કરતાં શીખવ્યું

ઉંદરને પેઇન્ટિંગ કરતાં શીખવ્યું આર્ટના સ્ટુડન્ટે

પેઇન્ટિંગ અને કળાત્મક અભિવ્યક્તિ માત્ર મનુષ્યોનો જ ઇજારો નથી, પ્રાણીઓ પણ એ કરી શકે છે. ઘણા પ્રાણી-ટ્રેઇનરોએ અને ઝૂવાળાઓએ હાથી, ભૂંડ જેવાં પ્રાણીઓને પેઇન્ટિંગ કરતાં શીખવ્યાનું આપણે સાંભળ્યું છે. જોકે નૉર્વેમાં સાવ જ હટકે કિસ્સો બહાર આવ્યો છે. ઍસ્કિમ શહેરમાં રહેતી ઍમાલી માર્કોટા ઍન્ડરસને પોતાના પાળેલા ઉંદર પાસે પેઇન્ટિંગ કરાવ્યું છે. ડિજિટલ આર્ટની સ્ટુડન્ટ એવી ઍમાલીએ દારિયસ નામના રૅટ પાસે વૉટરકલર પેઇન્ટિંગ કરાવ્યું છે. ઉંદરે બનાવેલા ચિત્રો પણ ઍમાલીએ ટ્વિટર પર શૅર કર્યાં છે. ઍમાલીના કહેવા મુજબ દારિયસે પહેલું પેઇન્ટિંગ ૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં કર્યું હતું. અફકૉર્સ જો આટલું વાંચીને તમને એમ લાગવા લાગ્યું હોય કે આ ઉંદર તો બહુ ક્રીએટિવ છે તો એવું નથી. એની માલિકણ ઍમાલીની આ કરામત છે, બાકી ઉંદરભાઈએ તો અહીં-તહીં ભટકવા સિવાય ખાસ કંઈ કર્યું નથી. ઍમાલી નૉન-ટૉક્સિક વૉટરકલર્સનો સેટ લઈ આવી હતી અને એમાં ઉંદરના ટચૂકડા પંજાને બોળી દેતી. એ પછી કૅન્વસ પર દારિયસને છૂટ્યો મૂકી દેતી જેથી એ રંગો કૅન્વસ પર બેરોકટોક વિખેરાય. પંજા પર અલગ-અલગ રંગો વાપરીને ચિત્રમાં વૈવિધ્ય પણ ઉમેરવાની કોશિશ થતી. ઍમાલીનું કહેવું છે કે લગભગ દસેક મિનિટની આ પ્રૅક્ટિસમાં દારિયસના પગેથી કૅન્વસ પર એવું ચિત્ર ખડું થતું જેને યોગ્ય ઍન્ગલ આપીને એક ઇન્ડિપેન્ડન્ટ પેઇન્ટિંગ બનાવી દેવાતું.

આ પણ વાંચો : આ એક એવો દેશ છે જ્યાં એક પણ ATM નથી અને સિમકાર્ડ તો સોનાના ભાવે મળે છે

નવાઈની વાત એ છે કે ધીમે-ધીમે કરતાં લોકોને દારિયસનાં પેઇન્ટિંગ્સ બહુ પસંદ આવવા લાગ્યાં છે અને ઇન્ટરનેટ પર એની ખરીદી પણ થવા લાગી. આ પૈસામાંથી ઍમાલીએ દારિયસ માટે લક્ઝુરિયસ કપડાં, એક્સેસરીઝ અને ઍશોઆરામની ચીજો ખરીદી છે.

norway offbeat news hatke news