આ ટ્‍વિન્સ છે, પણ બન્નેના પપ્પા અલગ છે

30 June, 2019 09:54 AM IST  |  અમેરિકા

આ ટ્‍વિન્સ છે, પણ બન્નેના પપ્પા અલગ છે

ટ્વિન્સ

અમેરિકાના ઍરિઝોના રાજ્યના ફિનિક્સ શહેરમાં એક મહિલાએ ટ્‍વિન્સને જન્મ આપ્યો હતો પરંતુ એ બન્નેના પિતા જુદા હતા. આ જોડિયાં બાળકોને સાથે જોઈને કોઈ માની શકે એમ નથી કે આ ખરેખર ટ્‍વિન્સ છે. એનું કારણ એ છે કે એકના વાળ ભૂખરા અને પાંખા છે, જ્યારે બીજાના વાળ કાળાભમ્મર છે. દેખીતી રીતે અજાયબી લાગતી આ ઘટના મેડિકલ વિજ્ઞાનને કારણે સંભવ બની હતી. વાત એમ છે કે આ બાળકો એક ગે યુગલનાં છે.

૩૪ વર્ષનો ટાયલર ફોન્ટેસ અને ૩૫ વર્ષનો ઍન્ડી ૨૦૧૩માં લગ્નસંબંધથી જોડાયેલા. લગ્નનાં બે વર્ષ પછી બન્નેએ પોતાનું બાળક મેળવવાના પ્રયત્નો કર્યા. બન્નેને બાળકમાં પોતાનો અંશ હોય એ જોઈતું હતું એટલે તેમણે એક જ ડોનરનાં એગ્સ લીધાં અને બન્નેને અલગ-અલગ ફલિત કરાવીને એક સરોગેટ મહિલામાં સાથે પ્રસ્થાપિત કર્યાં જેથી તેમને એક જ સમયે એક જ ગર્ભમાં સાથે ઊછરેલાં બાળકો મળે. એને કારણે બાયોલૉજિકલી આ બાળકો જોડિયાં હોવા છતાં તેમના પિતા અલગ છે. પિતા અલગ હોવાથી તેમનો દેખાવ પણ અલગ છે.

આ પણ વાંચો : શૌચાલયે તોડાવ્યા લગ્ન, વરરાજો મંડપ છોડીને ભાગ્યો

આ યુગલ ઇચ્છતું હતું કે પોતપોતાના સંતાન પાછળ પોતાનું નામ લાગે. એક જ સમયે એકસાથે જન્મેલાં બાળકોના પપ્પાનું નામ અલગ રાખી શકાય એવું ઍરિઝોના રાજ્યના કાયદા મુજબ શક્ય ન હોવાથી તેમણે ખાસ સરોગેટ મધરને ન્યુ મેક્સિકોમાં લઈ જઈને ડિલિવરી કરાવવી પડી હતી જેથી ટ્‍વિન બ્રધર્સના પિતાનું નામ અલગ રાખી શકાયું હતું. હવે જ્યારે બન્ને ટાબરિયાંઓ લગભગ બે વર્ષનાં થઈ ગયાં છે ત્યારે ગે કપલે આ વાત જાહેર કરી છે.

offbeat news hatke news