સ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં સ્થાન મેળવ્યું આ બાળકીએ, IQ 140

16 March, 2019 12:14 PM IST  | 

સ્માર્ટ લોકોની મેન્સા સોસાયટીમાં સ્થાન મેળવ્યું આ બાળકીએ, IQ 140

આ બાળકીએ મેન્સા સોસાયટીમાં સ્થાન મેળવ્યુ, IQ 140

બ્રિટનના બકિંગહૅમશરના ઇવર શહેરમાં રહેતી ચાર વર્ષની અલાના જ્યૉર્જ નામની ટબૂકડીએ વિશ્વના સૌથી સ્માર્ટ લોકોની સોસાયટી મેન્સામાં સ્થાન મેળવ્યું છે. તે સુપરજિનિયસ છે અને તેનો ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ) 140 રહ્યો હતો. સામાન્ય રીતે ચાર વર્ષનાં બાળકોનો IQ ૯૦થી ૧૧૦ની વચ્ચે હોય છે, પરંતુ અલાના તેની ઉંમર કરતાં અનેકગણી હોશિયાર છે. મેન્સાની ટેસ્ટ માટે અલાનાને સાત વર્ષના બાળકને પૂછવામાં આવે એ સવાલો પૂછવામાં આવ્યા હતા અને એ સવાલો પાર કરીને તે મેન્સા સોસાયટીની બીજા નંબરની સૌથી યંગ મેમ્બર બની ગઈ છે. તેના પેરન્ટ્સ નાદીન અને એડમન્ડનું કહેવું છે કે તે જાતે જ વાંચતાં શીખી છે. સ્કૂલમાં જતાં પહેલાં તે મોટા ફકરાઓ વાંચતી થઈ ગઈ હતી. દોઢ વર્ષની ઉંમરે તે નર્સરીનાં જોડકણાં અને નંબર્સ કડકડાટ બોલતી હતી. બે વર્ષની હતી ત્યારથી તે પોતાની મેળે યુટ્યુબ પર એન્ડલેસ નંબર્સ જેવા શો જોવા લાગી હતી.

મેન્સા શું છે?

લગભગ ૭૨ વર્ષ પહેલાં જિનિયસ લોકોની સોસાયટીની સ્થાપના થઈ હતી જેમાં માત્ર સુપરસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા લોકોને જ સ્થાન મળે છે. આ સોસાયટીમાં દુનિયાની કુલ વસ્તીના માત્ર બે ટકા લોકો જ હિસ્સો બની શક્યા છે. મેન્સા દ્વારા બૌદ્ધિક ક્ષમતાની ખાસ ટેસ્ટ લેવામાં આવે છે અને એમાં ૯૮ પર્સન્ટાઇલ ધરાવતા લોકોને જ સ્થાન મળે છે. હાલમાં આ ગ્રુપમાં આશરે ૧,૩૪,૦૦૦ લોકો છે જેમની ગણના સુપરસ્માર્ટ લોકોમાં થાય છે. સૌથી નાનો મેમ્બર અઢી વર્ષનો છે અને સૌથી વયસ્ક મેમ્બર ૧૦૩ વર્ષના છે.

offbeat news hatke news