વિશ્વની સૌથી લાંબી સહીનો ઉપયોગ નાસાએ ઉપગ્રહની તસવીર વિશ્લેષણમાં કર્યો

21 February, 2020 09:54 AM IST  |  Mumbai Desk

વિશ્વની સૌથી લાંબી સહીનો ઉપયોગ નાસાએ ઉપગ્રહની તસવીર વિશ્લેષણમાં કર્યો

૧૯૯૦ના દાયકામાં ટેક્સસના એક ખેડૂતે તેના પશુધનને ચરાણની જગ્યા ખુલ્લી કરવા સફાઈ કરવાનો નિર્ણય લીધો, પરંતુ એ ચરાણની જગ્યામાં પોતાની સિગ્નેચરના આકારમાં ગોઠવાયેલાં વૃક્ષો રાખ્યાં. જમીન પર વૃક્ષરૂપી મોટા અક્ષરોમાં સિગ્નેચરનો ઉપયોગ ભવિષ્યમાં ઉપગ્રહોની તસવીરોના વિશ્લેષણ અને સૅટેલાઇટ કૅમેરાની ક્વૉલિટી તપાસવા માટે કરવામાં આવશે એવો અંદાજ એ ખેડૂતને એ સફાઈ કરતી વેળા જરાયે નહોતો.

જિમી લ્યુક નામના ટેક્સસનાં પોલીસ અને અર્ધલશ્કરી દળોમાં કામ કરીને છૂટા થયા બાદ ૧૯૮૦માં ઑઇલના બિઝનેસમાં કરોડોની કમાણીનું રોકાણ જમીનો ખરીદીને ખેતી કરવામાં અને પશુ ઉછેરમાં કર્યું હતું. જિમીએ એટલી બધી જમીન ખરીદી કે ૧૯૯૦ પછી તેને સમજાયું કે અમુક જમીનોમાંથી ઘાસ અને ઝાડ કાપવાની જરૂર છે. એ વખતે ત્રણ માઇલના ક્ષેત્રમાં ફેલાયેલા વિશાળ ભૂખંડ પર વૃક્ષો વડે અંગ્રેજીમાં LUCKE લખીને પોતાની સિગ્નેચર બનાવી હતી. એ વિશ્વની સૌથી મોટી સિગ્નચર મનાય છે.

ટેક્સસના સ્મિથવિલે પાસેના બુશર સ્ટેટ પાર્ક જોડેના ભૂખંડ પર વૃક્ષોરૂપી સિગ્નેચરની તસવીરો વડે નાસા (નૅશ‌નલ ઍરૉનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ના અવકાશયાત્રીઓ સ્પેસ શટલના કૅમેરાના મૅક્સિમમ રેઝલ્યુશનનો અંદાજ મેળવે છે. એવી જ રીતે સૅટેલાઇટ કૅમેરાની ક્વૉલિટી પણ પિક્ચર રેઝલ્યુશનના મૂલ્યાંકન દ્વારા મેળવવામાં આવે છે. હ્યુસ્ટનથી પશ્ચિમ તરફ જતી ફ્લાઇટ્સ ટેક ઑફ કરે ત્યારે પણ LUCKE ફાર્મ વચ્ચે આવતું હોવાથી એની લોકપ્રિયતા વધી છે.

૨૦૧૧માં સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબીના અલ ફુત્યાસી ટાપુ પર રણમાં શેખ હમદ બિન હમદાન અલ નાહ્યાને પોતાનું પહેલું નામ વિશાળ અક્ષરોમાં કોતરાવ્યું (ખોદાવ્યું) હતું. ૩૦૦૦ મીટર લાંબા અને ૧૦૦૦ મીટર પહોળા ક્ષેત્રમાં ખોદાયેલું નામ (સિગ્નેચર) અવકાશમાંથી જોઈ શકાતું હતું, પરંતુ એ ઘટનાને પશ્ચિમી પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધિ મળ્યા પછી રહસ્યમય રીતે એ સિગ્નેચર ભૂંસાઈ ગઈ હતી.

nasa international news offbeat news