લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલીના પ્રવેશદ્વારમાં વજનદાર ઝૂમકો લટકાવાયો

10 February, 2020 11:32 AM IST  |  Mumbai Desk

લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલીના પ્રવેશદ્વારમાં વજનદાર ઝૂમકો લટકાવાયો

લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી શહેરના પ્રવેશદ્વાર પર ૨૦ ફુટ ઊંચા થાંભલા પર ૬૦ લાખ રૂપિયાના ખર્ચે પિત્તળ અને તાંબાનો બનેલો ઝુમકો લટકાવવામાં આવ્યો છે. એની આસપાસ ત્રણ સુરમેદાની પણ ગોઠવવામાં આવી છે. ગુડગાંવના કલાકારે બનાવેલો ઝૂમકો મહામાર્ગ પર પરસાખેડા ચોક પર લટકાવવાનો નિર્ણય બરેલી ડેવલપમેન્ટ ઑથોરિટી (બીડીએ)ના અધિકારીઓએ લીધો હતો. બીડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝૂમકો લોકોને લગભગ ૨૦૦ મીટરના અંતરેથી દેખાશે. ૨૦ ફુટ ઊંચે લટકાવ્યા પછી એનું ઉદ્ઘાટન શનિવારે કેન્દ્રના પ્રધાન સંતોષ ગંગવારે કર્યું હતું. કાર્યક્રમના મહેમાનોને ભેટમાં પ્રતીકાત્મક ઝૂમકા આપવામાં આવ્યા હતા.

હિન્દી ફિલ્મ ‘મેરા સાયા’ના ગીત ‘ઝૂમકા ગિરા રે બરેલી કે બાઝાર મેં’ દ્વારા લોકપ્રિય બનેલા બરેલી શહેર અને ઝુમકાની ઘણી ચર્ચા ચાલે છે. સ્ત્રીના કાનનું ઘરેણું ‘ઝૂમકા’ લગભગ બરેલીની ઓળખ બની ગયું હતું. ૧૯૬૬માં ફિલ્મ ‘મેરા સાયા’માં અભિનેત્રી સાધના પર ફિલ્માંકન કરેલું ગીત સાડા પાંચ દાયકા પછી પણ બેહદ લોકપ્રિય છે. બીડીએ તરફથી બરેલી શહેરમાં સાર્વજનિક સ્થળે ‘ઝૂમકા’ લટકાવવાની માગણી ૨૫-૩૦ વર્ષથી ચાલે છે. એ વખતે બીડીએના હોદ્દેદારોએ દિલ્હી-બરેલી મહામાર્ગ (હાઇવે નંબર-૨૪) પર ત્રણ રસ્તાના મિલનસ્થાને ઝૂમકો લટકાવવાની માગણી કરી હતી. જોકે બરેલી શહેરને ફિલ્મી ગીતે આપેલી ઓળખને સાકાર કરવામાં દાયકા વીતી ગયા છે.

national news offbeat news lucknow delhi bareilly